અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં શાંતિ માટે તેમની યોજનાને મળેલા વૈશ્વિક સમર્થનથી ઉત્સાહિત દેખાય છે. વ્હાઇટ હાઉસે આ પહેલને યુદ્ધગ્રસ્ત ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પની દૂરંદેશી યોજના ગણાવી છે. યુએસ વહીવટીતંત્રે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ યોજનાના સમર્થન પર ભાર મૂક્યો હતો. વ્હાઇટ હાઉસનો દાવો છે કે વિશ્વ આ યોજનાને ગેમ-ચેન્જર તરીકે જોઈ રહ્યું છે.

શાંતિ યોજનાને ગેમ ચેન્જર ગણાવી
વ્હાઇટ હાઉસે બુધવારે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ટ્રમ્પની યોજના વર્ષોના વિનાશક યુદ્ધ પછી સંભવિત શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વભરના દેશોએ ટ્રમ્પની આ યોજનાને ‘ગેમ-ચેન્જર’ ગણાવી છે. આ યોજના લડાઈના તાત્કાલિક અંત, તમામ બંધકોને મુક્ત કરવા અને સતત માનવતાવાદી સહાય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો અંતિમ ધ્યેય ગાઝાને સમૃદ્ધિ અને કાયમી શાંતિનું પ્રતીક બનાવવાનો છે.
PM મોદીએ પણ આપ્યું સમર્થન
વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું હતું કે આરબ દેશોથી લઈને પશ્ચિમી દેશો સુધીના નેતાઓ આ યોજનાને સમર્થન આપી રહ્યા છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ પહેલને આવકારી છે, તેમણે કહ્યું કે, આ ઘોષણાપત્ર પેલેસ્ટાઇન અને ઇઝરાયલના લોકો માટે કાયમી શાંતિ, સુરક્ષા અને વિકાસનો વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે તમામ સંબંધિત પક્ષો આ પહેલમાં સહયોગ કરશે. ઉલ્લેખનીય છે, વ્હાઈટ હાઉસે મોદીના નિવેદનની લિંક પણ જાહેર કરી હતી. તદુપરાંત સાઉદી અરેબિયા, જોર્ડન, યુએઈ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તૂર્કિયે, કતાર અને ઇજિપ્તના વિદેશ મંત્રીના સંયુક્ત નિવેદનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
શાંતિ યોજનાનો ઉદ્દેશ
યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગાઝામાં તાત્કાલિક ધોરણે યુદ્ધ બંધ કરવાનો, તમામ બંધકોની સલામત મુક્તિ અને માનવતાવાદી સહાય સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના ગાઝાના પુનર્વિકાસ અને ત્યાં કાયમી સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે આ પહેલ માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સ્થિરતા અને સુરક્ષામાં વધારો કરશે. આ પહેલે ગાઝા સંઘર્ષના આંતરરાષ્ટ્રીય સ્તરે ઉકેલ તરફ સકારાત્મક સંકેતો આપ્યા છે, અને આશા છે કે તમામ પક્ષો આ યોજનાને સમર્થન આપવા આગળ આવશે.

