ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેમણે લશ્કરને આદેશ આપ્યો છે કે ગાઝા પર તાકીદી અસરથી અતિશક્તિશાળી હુમલો કરે. દક્ષિણી ગાઝામાં હમાસે ઇઝરાયેલના લશ્કરી દળો પર ગોળીબાર કર્યો હોવાનું ઇઝરાયેલે જણાવ્યા પછી નેતન્યાહુએ આ આદેશ આપ્યો હતો. હમાસે ઇઝરાયેલના મૃતક બંધકોના મૃતદેહ પરત આપ્યા પછી તનાવ આમ પણ ટોચે હતો.

નેતાન્યાહુના આદેશના પગલે ટ્રમ્પની આગેવાની હેઠળ ગાઝામાં સ્થપાયેલી શાંતિ પાછી ક્ષણજીવી નીવડી શકે છે. આગામી દિવસોમાં ઇઝરાયેલ ગાઝામાં વધુને વધુ ભીષણ હુમલા કરી શકે છે.
નેતન્યાહુએ આપેલા આદેશના પગલે હમાસે જણાવ્યું હતું કે અમે ઇઝરાયેલના બાકીના બંધકોના મૃતદેહ પરત નહીં કરીએ. આમ મધ્યપૂર્વમાં સ્થિતિ ફરીથી તંગ થાય તેવી સંભાવના છે.
ઇઝરાયેલે વેસ્ટ બેન્કના ઉત્તરી હિસ્સામાં ત્રણ પેલેસ્ટાઇની આતંકવાદીઓને મારી નાખ્યાનો દાવો કર્યો હતો. ઇઝરાયેલની પોલીસે જણાવ્યું હતું કે વેસ્ટ બેન્કમાં આતંકવાદનો ગઢ મનાતા જેનિન ટાઉનમાંથી આવેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેઓનો દાવો હતો કે આતંકવાદીઓ હુમલાનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ તેની વિગતો તેમણે આપી ન હતી.
તેના પછી ઇઝરાયેલના લશ્કરી હવાઈહુમલા કરીને આખી ગુફાનો જ નાશ કર્યો હતો. લશ્કરે આ વિસ્તારમાં હવાઈહુમલો કર્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. ઇઝરાયેલનું કહેવું છે કે તેનું ઓપરેશન વેસ્ટબેન્કમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે છે.
હમાસે ઇઝરાયેનલા જેનિન પરના હુમલાની આકરી ટીકા કરી હતી. તેણે જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણમાંથી બે જણા તેની કાસમ બ્રિગેડના આતકવાદી હતા. જ્યારે ત્રીજો વ્યક્તિ તેનો આગેવાન હતો, પરંતુ કોઈ બીજી વિગત આપી ન હતી.

