WORLD : ચીની યુવતીએ કિડની મેળવવા કરેલાં શરતી લગ્ન આજીવન પ્રેમપ્રકરણમાં પલટાયા

0
36
meetarticle

 ચીનમાં એક અનોખી લવ સ્ટોરીએ જીવલેણ રોગોને હટાવી પ્રેમીઓને એવું જીવતદાન આપ્યું કે આજે બંને પ્રેમીઓના પ્રેમ પ્રકરણ પરથી બનેલી ફિલ્મ પણ હીટ નીવડી છે. કિડનીની દર્દી વાંગે કેન્સરના દર્દી યુ જિઆનપિંગ સાથે એ શરતે લગ્ન કર્યા હતા કે તે એક વર્ષમાં અવસાન પામે તો તેની કિડની વાંગને દાનમાં આપતો જશે. પણ આ શરતી લગ્ન એવા પ્રેમ પ્રકરણમાં પલટાયા કે સમયાંતરે બંને પ્રેમીઓ સ્વસ્થ થઇ ગયા એટલું જ નહીં આજે પણ તેઓ શિયાન નામના નગરમાં શાંતિથી જીવન ભોગવી રહ્યા છે. આ ચમત્કાર કેવી રીતે થયો તે જાણવું રસપ્રદ છે.

 સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના અહેવાલમાં  જણાવ્યા અનુસાર ૨૦૧૩માં  શાંક્સી પ્રાંતની ૨૪ વર્ષની એક યુવતી વાંગ જિયાઓને યુરિમિયા નામનો રોગ હોવાનું નિદાન થયું હતું. તેને ડોક્ટર્સે જણાવ્યું હતું કે જો તે કિડની ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવે તો તેની પાસે જીવવા માટે એક જ વર્ષ બચ્યું છે.વાંગે પ્રથમ તો પોતાના પરિવારમાં તપાસ કરી પણ કોઇ કિડનીદાતા ન મળતાં તેણે એક અસામાન્ય પગલું ભર્યું. તેણે કેન્સર હેલ્પ ગુ્રપમાં લગ્નની એક જાહેરાત આપી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે એક એવા કેન્સરના દર્દીની શોધમાં છે જે તેની સાથે લગ્ન કરવા તૈયાર હોય. પણ તેમાં શરત એટલી જ છે કે તેના અવસાન બાદ તે તેની કિડની વાંગને દાનમાં આપતો જશે. વાંગે પોતાની લગ્નવિષયક જાહેરાતમાં લખ્યું હતું લગ્ન બાદ હું મારા પતિની કાળજી લઇશ. મને માફ કરી દો પણ હું જીવવા માંગું છું. 

થોડા દિવસો બાદ આ જાહેરાતનો જવાબ ૨૭ વર્ષના યુ જિયાનપિંગે આપ્યો. એક જમાનામાં બિઝનેસ મેનેજર રહી ચૂકેલો યુ કેન્સર સામે ઝઝુમી રહ્યો હતો. તેના પિતાએ તેના ઇલાજ માટે ઘર સુદ્ધાં વેચી દીધું હતું. યુ માત્ર દવાઓ પર જીવી રહ્યો હતો. જુલાઇ ૨૦૧૩માં બંનેએ પોતાના લગ્નની નોંધણી કરાવી નાંખી. તેમણે તેમના લગ્ન ગુપ્ત રાખવાનો અને પોતાની નાણાંકીય બાબતોની સંભાળ જાતે રાખવાના કરાર કર્યા હતા. તેમણે એ પણ નક્કી કરી નાંખ્યું હતું કે યુના અવસાન બાદ તે પોતાની એક કિડની પત્ની વાંગને દાનમાં આપતો જશે. કિડનીના સાટે વાંગે યુ જીવે ત્યાં સુધી તેની કાળજી લેવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં  તો આ સોદો માત્ર એકબીજાના સ્વાર્થ ખાતર કરવામાં આવ્યો હતો. 

પરતું લગ્ન બાદ બંને રોજ વાતો કરવા માંડયા અને પોતાના આરોગ્યની બાબતોથી એકમેકને વાકેફ રાખવા માંડયા. વાંગ ચંચળ સ્વભાવની હસમુખી યુવતી હોઇ તે યુને વાતવાતે હસાવતી રહેતી હતી. વાંગે યુ માટે સૂપ બનાવવા માંડયો અને તે તેના ઉપચાર માટે પણ સાથે જવા માંડી. યુના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ કાઢવા માટે વાંગે રોડ પર ફૂલદસ્તા વેચવાની શરૂઆત કરી. તે ફૂલદસ્તા સાથે ફૂલોની માહિતી આપતાં કાર્ડ પણ સાથે વેચતી હતી. જેના કારણે તેના ગુલદસ્તા ખરીદવા લોકો પડાપડી કરવા માંડયા. 

વાંગે આ રીતે પાંચ લાખ યુઆનની રકમ ભેગી કરી યુની સર્જરી કરાવી. જુન ૨૦૧૪ સુધીમાં યુનું સ્વાસ્થ્ય સુધરવા માંડયું. બીજી તરફ વાંગના ડાયાલિસિસના સેશન પણ અઠવાડિયામાં બે વાર થતાં હતા તે હવે ઘટીને મહિનામાં એક વાર થઇ ગયું. એક સવારે ડોક્ટરે જણાવ્યું કે વાંગને હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર નથી. પોતાની આ અનોખી લવસ્ટોરીની ઉજવણી કરવા તેમણે ફેબુ્રઆરી ૨૦૧૫માં એક સ્થાનિક રેસ્ટોરાંમાં ભવ્ય ભોજનનું આયોજન કર્યું હતું. તેમની આ લવસ્ટોરીથી પ્રેરાઇને વિવા લા વિડા નામની ફિલ્મ બનાવવામાં આવી. ચીનમાં ૨૦૨૪માં રજૂ થયેલી આ ફિલ્મે ૨૭૬ મિલિયન યુઆનની કમાણી કરી હતી.  પ્રેમની તાકાતના ઉદાહરણ સમાન આ દંપતી શિયાનમાં આજે એક ફૂલોની દુકાન ચલાવે છે અને શાંતિથી તેમનું જીવન વ્યતીત કરી રહ્યું છે. 

મરીઝે ગુજરાતીમાં આવા પ્રેમીઓ માટે જ જાણે શેર કહ્યો છે:

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, 

હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઉઠી આંગળીઓ, 

તમારી દિશામાં મિનારે મિનારે….

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here