ઝેલેન્સ્કીએ યુક્રેનની પ્રજાને સંબોધિત કરતા યુક્રેનની પ્રાચીન લોક માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો. નાતાલના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જતા હોવાની માન્યતાનો ઉલ્લેખ કરતા ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી યુક્રેનના લોકો માને છે કે નાતાલની રાતે સ્વર્ગના દ્વારા ખુલી જાય છે અને તે સમયે તમે તમારી ઇચ્છા વ્યક્ત કરો તો તે ચોક્કસ પૂર્ણ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે આજે આપણે તમામ એક જ સ્વપ્ન જોઇએ છીએ અને એક જ પ્રાર્થના કરીએ છીએ કે આપણા સૌ માટે તે આ દુનિયામાં ન રહે. જો કે તેમણે કોઇના પણ નામનો ઉલ્લેખ કર્યો ન હતો.
આ નિવેદન એવા સમયે આવ્યો છે જ્યારે રશિયાએ નાતાલની પૂર્વ સંધ્યા અગાઉ યુક્રેનના અનેક વિસ્તારોમાં મોટા પાયે મિસાઇલથી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને સમગ્ર દેશમાં મોટા પાયે વીજ પુરવઠામાં અવરોધ ઉભો થયો હતો.આ ઉપરાંત નાતાલના દિવસે પણ રશિયાએ યુક્રેન પર ૧૩૧ ડ્રોન છોડયા હતાં. જો કે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે તેમાંથી મોટા ભાગના ડ્રોન તોડી પાડયા હતાં પણ ૨૨ ડ્રોન ૧૫ અલગ અલગ ક્ષેત્રોમાં પડી નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યાં હતાં.
ઝેલેન્સ્કીએ પોતાના નાગરિકોને આ હુમલા સામે હિંમતપૂર્વક ઉભા રહેવાની અપીલ કરી હતી અને એ લોકોનો આભાર માન્યો હતો જેમણે પોતાના પ્રાણનો વિચાર કર્યા વગર યુક્રેનની રક્ષા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આપણે એ તમામ શહીદોને યાદ કરીએ છીએ જેમણે યુક્રેનની રક્ષા કરતી વખતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. આજે આપણે ખભાથી ખભા મિલાવીને ઉભા છીએ. અંધારામાં પણ આપણે આપણો માર્ગ ભુલીશું નહીં.
