અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ આજકાલ દુનિયાભરમાં ચાલતી ચર્ચાઓમાં ‘છવાઈ’ ગયા છે. તેઓ ક્યારેક ગાઝા યુદ્ધ અટકાવવા ૨૦ સૂત્રીય કાર્યક્રમ આપે છે તો યુક્રેન યુદ્ધ અટકાવવા રશિયા પર દબાણ કરે છે. ભારત- પાક. યુદ્ધ અટકાવવાનો દાવો કરે છે જેને ભારતે ઉડાડી મૂક્યો છે. અમેરિકી અર્થતંત્રને મજબૂત કરવા દુનિયાભરના દેશો ઉપર ભારે ટેરિફ ફટકારે છે – આ બધાને લીધે તેઓ વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં છે, પરંતુ આવા અંધાધૂધ નિર્ણયોના કારણે ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી ગઈ છે.

૨૦૨૬ની મધ્યાવધિ ચૂંટણીમાં તેઓની પાર્ટી રીપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શનની ચિંતા તેમને કોરી ખાય છે. તેવામાં પ્રમુખના નિવેદનો તેમની નિર્બળ સ્થિતિ છતી કરે છે. સરકારી શટ-ડાઉનને લીધે તેમની સરકાર પર જોખમ વધી રહ્યું છે. આ અગાઉ પ્રમુખે પોતાની પાર્ટીની રાજકીય સંભાવનાઓ અંગે ક્યારેય આવી ચિંતા જાહેર નથી કરી. ૨૦૨૬ની મધ્યાવધિ ચૂંટણી માટે તેઓ બેચેન છે. આગામી વર્ષે ડેમોક્રેટ્સ હાઉસ ઑફ રેપ્રિઝેન્ટેટીવ્સ અને સેનેટ ઉપર ફરી કબ્જો જમાવી દે તેવી ભીતિ છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો ૧૯૩૮થી હજી સુધીમાં ૨૨ મધ્યાવધિ ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીને ૨૦ વખત હાર જોવી પડી હતી. ૧૯૯૮માં બિલ ક્લિન્ટનને હટાવવા રિપબ્લિકન્સે, લાવેલો મહાભિયોગ પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો હતો. તે એકમાત્ર અપવાદ ગણી શકાય. ૨૦૦૨માં જ્યારે ૦૯/૧૧નો આતંકી હુમલો થયો ત્યારે પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે મધ્યાવધિ ચૂંટણીમાં જીત મેળવી હતી.
૩૦ સપ્ટેમ્બરે મળેલા એપ્રુવલ રેટિંગ રેકોર્ડ સ્તરે નીચું ગયું છે માત્ર ૪૩ ટકા નાગરિકો જ તેમની તરફેણમાં છે જ્યારે ૫૩ ટકા તેમની વિરુદ્ધમાં છે. તેમાં ય તેમણે હાથ ધરેલા શટ-ડાઉને લોકોની નારાજગીમાં વધારો કર્યો છે. ૨જી ઓક્ટોબરે તેઓનું એપ્રુવલ રેટિંગ ઘટીને ૯ અંક જેટલું નીચું ગયું છે. એનો અર્થ એવો થાય કે જો આજની તારીખે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થાય તો ટ્રમ્પ હારી જાય.

