WORLD : ટ્રમ્પના ગ્રીનલેન્ડ મુદ્દે તેવર નરમ પડ્યા, યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યો

0
21
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે પોતાનું આક્રમક વલણ નરમ કરતાં યુરોપિયન સહયોગી દેશો પર ટેરિફ લગાવવાની ધમકી સંપૂર્ણપણે પાછી ખેંચી લીધી છે. દાવોસમાં નાટોના મહાસચિવ માર્ક રુટ્ટે સાથેની “ખૂબ જ ઉત્પાદક” બેઠક બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી, જેણે છેલ્લા કેટલાક દિવસોથી વૈશ્વિક બજારો અને ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોમાં મચાવેલી ઉથલપાથલ પર વિરામ મૂક્યો છે.

દાવોસમાં બેઠક બાદ ટ્રમ્પનો યુ-ટર્ન

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, નાટોના મહાસચિવ માર્ક રુટ્ટે સાથેની મુલાકાત બાદ ગ્રીનલેન્ડ અને સમગ્ર આર્કટિક ક્ષેત્રને લગતા ભવિષ્યના કરાર માટે એક “ફ્રેમવર્ક” (માળખું) તૈયાર થઈ ગયું છે. તેમણે લખ્યું, “જો આ સમજૂતી થઈ જશે, તો તે યુનાઇટેડ સ્ટેટ્સ અને તમામ નાટો દેશો માટે ખૂબ ફાયદાકારક રહેશે. આ સમજણના આધારે, હું 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા ટેરિફ નહીં લગાવું.” આ સાથે, 8 યુરોપિયન દેશો પર લાગુ થનાર 10% ટેરિફ (જે ભવિષ્યમાં 25% સુધી વધી શકતો હતો) રદ કરી દેવામાં આવ્યો છે.

ગોલ્ડન ડોમ’ અને આર્કટિક સુરક્ષા પર ફોકસ

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે “ગોલ્ડન ડોમ” (અમેરિકાની પ્રસ્તાવિત મિસાઈલ ડિફેન્સ શીલ્ડ) સંબંધિત વધારાની ચર્ચાઓ ચાલી રહી છે, જે ગ્રીનલેન્ડ સાથે પણ જોડાયેલી છે. આ મુદ્દે વાતચીત માટે તેમણે ઉપપ્રમુખ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફને જવાબદારી સોંપી છે. બીજી તરફ, નાટોના પ્રવક્તાએ જણાવ્યું કે આ બેઠક “ઉત્પાદક” રહી અને તૈયાર થયેલું ફ્રેમવર્ક મુખ્યત્વે આર્કટિક સુરક્ષા પર કેન્દ્રિત હશે, જેનો મુખ્ય લક્ષ્ય રશિયા અને ચીનને આ ક્ષેત્રમાં આર્થિક કે સૈન્ય રીતે પગ જમાવતા રોકવાનો છે.

શા માટે આપી હતી ટેરિફની ધમકી?

તાજેતરમાં, ટ્રમ્પે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને નેધરલેન્ડ્સ જેવા આઠ યુરોપિયન દેશો પર ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. આ દેશો ગ્રીનલેન્ડને અમેરિકાને વેચવાના ટ્રમ્પના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા હતા અને તેમણે ડેનમાર્કના સમર્થનમાં ગ્રીનલેન્ડમાં સૈન્ય અભ્યાસ માટે પોતાની ટુકડીઓ મોકલી હતી, જેને ટ્રમ્પે એક પડકાર તરીકે જોયું હતું. આ ધમકીને કારણે યુરોપ અને અમેરિકા વચ્ચે ગંભીર ‘ટ્રેડ વોર’નો ખતરો ઉભો થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here