અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ ચેતવણી આપી છે. આઈએમએફનાં વડાં ક્રિસ્ટાલિના જ્યોર્જિએવાએ ટ્રમ્પના ટેરિફથી દુનિયાના વેપારને નુકસાન થતું હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું કે ટ્રમ્પના ટેરિફ વિકાસશીલ દેશોના અર્થતંત્રનો વિકાસ ધીમો કરી રહ્યા છે. જોકે, તેમણે ફરીથી ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેનો ઝડપી વિકાસ દુનિયા માટે જરૂરી છે.આઈએમએફ ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિયેવાએ ટેરિફથી થનારા સંભવિત નુકસાન અંગે ચેતવણી આપતા કહ્યું કે, હાલમાં દુનિયાના કેટલાક મોટા અર્થતંત્રો સંરક્ષણવાદી ઉપાયો તરફ વળ્યા છે અને એક હથિયાર તરીકે ટેરિફનો ઉપયોગ કરી રહ્યા છે. બીજીબાજુ હજુ પણ મોટાભાગના દેશોએ મુક્ત અને નિષ્પક્ષ વેપારનું સમર્થન કરવાનું ચાલુ રાખ્યું છે. તેમનું માનવું છે કે વૈશ્વિક વૃદ્ધિ માટે તે સૌથી મહત્વપૂર્ણ છે. ટેરિફના વધતા ઉપયોગથી વૈશ્વિક વેપારને નુકસાન થઈ શકે છે તેમ પણ તેમણે કહ્યું હતું.

જ્યોર્જિયેવાએ અમેરિકન ટેરિફ અંગે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકાએ ભાગીદારો સાથે તેના સંબંધોમાં ટેરિફનો એક સાધન તરીકે ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે બાકી દુનિયાએ હજુ સુધી તો તેનું અનુસરણ કર્યું નથી. આઈએમએફનાં વડાં જ્યોર્જિયેવાએ જણાવ્યું કે, આઈએમએફના ૧૯૧ સભ્ય દેશોમાંથી માત્ર ત્રણ દેશ અમેરિકા, ચીન અને કંઈક અંશે કેનેડાએ ટ્રમ્પના ટેરિફનો જવાબ વળતા ટેરિફથી આપવાનું પગલું ભર્યું છે. બાકીના ૧૮૮ દેશોએ કહ્યું કે, આભાર, પરંતુ નહીં. અમે ટેરિફનો રસ્તો નહીં અપનાવીએ. આ બધા જ દેશોએ મોસ્ટ ફેવર્ડ નેશનના નિયમો હેઠળ જ વેપાર ચાલુ રાખવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ક્રિસ્ટાલિના જ્યોર્જિયેવાએ દુનિયાના અગ્રણી અર્થતંત્રોને અપીલ કરી છે કે તેઓ એક મુક્ત, નિષ્પક્ષ અને નિયમ આધારિત વેપાર વ્યવસ્થાની દિશામાં કામ કરે.
વૈશ્વિક સંગઠન આઈએમએફના નિર્દેશકે ભારત પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ભારતીય અર્થતંત્ર દુનિયામાં સૌથી ઝડપથી વધતા અર્થતંત્રોમાંથી એક છે. ભારત કર સુધારા, ડિજિટલ અને ફિઝિકલ બંને પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, સમગ્ર દેશમાં કનેક્ટિવિટીમાં સુધારા જેવા પ્રયત્નોને કારણે વૈશ્વિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે, ભારત એક મુક્ત અર્થતંત્ર છે અને ખુલ્લું, પ્રતિસ્પર્ધી અને સુધારા સંચાલિત બની રહેવું એ જ આગળ વધવાનો સૌથી સારો માર્ગ છે. આઈએમએફ ચીફ જ્યોર્જિયેવાએ તાજેતરમાં જ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારીને ૬.૬ ટકા કર્યો છે. સાથે જ ભારતને દુનિયાના વિકાસ માટે વૃદ્ધિનું એન્જિન જાહેર કર્યું હતું.
- ભારત સાથે ટેરિફ વોર મુદ્દે ટ્રમ્પ પર પસ્તાળ
- ટ્રમ્પે ભારત પર ટેરિફ નાંખીને ખોટું કર્યું : ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ
- અમેરિકાનો લાભ પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ભારત સાથેની મિત્રતા મજબૂત કરવામાં છે : ટોની એબોટ
સિડની: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં ભારત સહિત અનેક દેશો પર ટેરિફ નાંખીને તેના સંબંધો બગાડી નાંખ્યા છે. હવે ટ્રમ્પના આ નિર્ણયની ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે પણ આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું અમેરિકાએ પાકિસ્તાનના બદલે ભારત સાથે મિત્રતા ગાઢ કરવી જોઈએ.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે કહ્યું હતું ટ્રમ્પ સમર્થક છું, પરંતુ મને લાગે છે કે તેમણે ભાત પર ટેરિફ નાંખીને ખોટું કામ કર્યું છે. ચીન જેવા બીજા દેશો પણ ચીટિંગ કરી રહ્યા છે, પરંતુ તેમની સાથે આવું વર્તન નથી થયું. ટ્રમ્પે ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ નાંખી દીધો છે, જેમાંથી ૨૫ ટકા એક્સ્ટ્રા ટેરિફ રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી માટે નાંખેલો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે પાકિસ્તાન અને અમેરિકાના ગાઢ બની રહેલા સંબંધો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અમેરિકાનો લાભ પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ભારત સાથેની મિત્રતા મજબૂત કરવામાં છે.
ટોની એબોટે કહ્યું કે, શિત યુદ્ધ સમયે અમેરિકાએ જે મોટી ભૂલો કરી તેમાંથી એક સતત પાકિસ્તાન તરફનું વલણ હતી. ભારત એક લિબરલ લોકતંત્ર છે અને પાકિસ્તાન મિલિટ્રી સરમુખત્યારશાહી. છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકા ખૂબ જ સમજદારીથી પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. મને લાગે છે કે ટેરિફ ભારત અને અમેરિકાના સંબંધોમાં મોટા ફટકા માન છે, પરંતુ લોતાંત્રિક દેશો સાથે ભારતના મૂળભૂત હિતો તથા મૂલ્યોને જોતા મને લાગે છે કે આ એક કામચલાઉ ફટકો હશે અને આશા છે કે બંને દેશના સંબંધો ઝડપથી સારા થઈ જશે.

