રવિવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના તેલના વેચાણમાંથી થતી આવકને ‘નેશનલ ઇમરજન્સી’ હેઠળ લાવી દીધી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ આદેશનો હેતુ અમેરિકન બેંક ખાતાઓમાં જમા થયેલા વેનેઝુએલાના તેલના નાણાંને કોઈપણ કાનૂની જપ્તી અથવા ખાનગી કંપનીઓના દાવાઓથી સુરક્ષિત રાખવાનો છે.

કાનૂની જપ્તી અને દાવાઓ પર પ્રતિબંધ
વ્હાઇટ હાઉસની ફેક્ટ શીટ મુજબ, આ આદેશ વેનેઝુએલાના તેલના નાણાં પર કોઈપણ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા, કોર્ટના ઓર્ડર અથવા લેણદારોના ‘અટેચમેન્ટ’ પર પ્રતિબંધ મૂકે છે.
સંપૂર્ણ સુરક્ષા: અમેરિકામાં વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના વેચાણથી જે નાણાં જમા થશે, તેના પર હવે કોઈ ખાનગી સંસ્થા કે દેશ હક જમાવી શકશે નહીં.
અમેરિકાની કસ્ટડી: આ ફંડ્સ વેનેઝુએલાની સાર્વભૌમ સંપત્તિ છે, પરંતુ અત્યારે તે સંપૂર્ણપણે અમેરિકાની દેખરેખ હેઠળ રહેશે.
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
વેનેઝુએલા પર ચીન, રશિયા અને ઈરાન જેવા દેશોનું ભારે દેવું છે. જો અમેરિકાની અદાલતો આ દેશો અથવા અન્ય ખાનગી લેણદારોને આ ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે, તો તેનાથી વેનેઝુએલા પર અમેરિકાની પકડ નબળી પડી શકે છે.
અમેરિકાના હિતોનું રક્ષણ: ટ્રમ્પ પ્રશાસન નથી ઈચ્છતું કે આ નાણાં એવા તત્વોના હાથમાં જાય જે અમેરિકાના હિતોની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.
આવકનું સંચાલન: પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટ કર્યું કે તેલના વેચાણની પૂરી આવક પહેલા યુએસ ટ્રેઝરીમાં જશે અને ત્યારબાદ અમેરિકન સરકારના વિવેક મુજબ તેનો ખર્ચ કરવામાં આવશે.

