ઇરાન-અમેરિકા યુદ્ધમાં ઇરાને અમેરિકાની ૧૫ સૂત્રીય ફોર્મ્યુલા ફગાવી દેતા ટ્રમ્પ બરોબર ગીન્નાયા છે. તેમણે ઇરાનને ધમકીના સૂરમાં જણાવ્યું છે કે ઇરાન મંત્રણા અંગે ગંભીર થાય નહીં તો તેને ભારે પડશે. તેણે કલ્પ્યા નહીં હોય તેવા પરિણામ ભોગવવાના આવશે. ટ્રમ્પે તેમના સહયોગીઓને જણાવ્યું છે કે ઇરાન યુદ્ધને ઝડપથી ખતમ કરો. મારી પાસે બીજા પણ કામ છે.
ટ્રમ્પે તેના ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે ઇરાનીઓ વાતચીત કરવામાં બહુ અલગ અને અજીબ છે. તે અમારી સાથે ડીલ કરવાની ભીખ માંગી રહ્યા છે, જે તેમણે માંગવી પણ જોઈએ, કેમકે તે મિલિટરી રીતે સંપૂર્ણ ખતમ થઈ ચૂક્યા છે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. આમ છતાં તેઓ કહી રહ્યા છેકે તે વિચાર કરી રહ્યા છે.

મેમાં જિનપિંગ સાથેની બેઠક પહેલા યુદ્ધ ખતમ કરવા ટ્રમ્પ આતુર
ટ્રમ્પ આગામી દિવસોમાં ઇરાન યુદ્ધ ખતમ કરવા માંગે છે. તેઓએ આ માટે તેમના સહયોગીઓને કમસેકમ ચારથી છ અઠવાડિયાનો સમય આપ્યો હોવાનું માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ ચીનના પ્રમુખ જિનપિંગ સાથે મેમાં બૈજિંગમાં શિખર સંમેલનની યોજના બનાવી છે. આ બેઠક શરૂ થતાં પૂર્વે યુદ્ધ ખતમ થઈ જશે તેમ માનવામાં આવે છે. જો કે ટ્રમ્પ માટે યુદ્ધ પૂરુ કરવા માટે મંત્રણા કરવી એક અત્યંત કપરુ કાર્ય હશે.
હોર્મુઝ સ્ટ્રીટ બંધ કરનારા ઇરાનના કમાન્ડરને ખતમ કર્યાનો દાવો
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીએસ)ના નૌકાદળના કમાન્ડર રીયર એડમિરલ અલીરેજા ંતંગસીરીના મોતના સમાચારે મધ્યપૂર્વમાં તનાવ વધારી દીધો છે. ઇઝરાયેલના મીડિયાએ એક ઇઝરાયેલી અધિકારીને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકા-ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં તંગસીરી માર્યા ગયા. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ આ વાતને સમર્થન આપતું ટ્વીટ કર્યુ હતુ. અલીરેજા તંગસીરી ૨૦૧૮થી આઇઆરજીસીના નૌકાદળના કમાન્ડરના હોદ્દા પર હતા. તે ઇરાનના નૌકાદળની રણનીતિના મુખ્ય ચહેરામાં એક હતા. તેમા પણ ખાસ કરીને હોર્મુઝની ખાડી બંધ કરવાની ધમકી અને તેની યોજના સાથે તેમનું નામ જોડાયેલું હતું.
ઇરાન પર અમેરિકા-ઇઝરાયેલનો મિસાઇલમારો યથાવત્
ઇરાનમાં એકબાજુએ ઇઝરાયેલી મોટાપાયા પર મિસાઇલમારો ચલાવ્યો હતો. તેમા ઇસ્કહાન અને સિરંજ શહેર પર મોટાપાયા પર હુમલો કરાયો હતો. પરમાણુ મથકની એક સાઇટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકા અને ઇઝરાયેલે ઇરાનના ટોચના કમાન્ડરો મારવાનું જારી રાખ્યું છે અને બદલામાં ઇરાને પણ અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા કરવાનું જારી રાખ્યું છે. આટલા હુમલા વચ્ચે પણ ઇરાને હોર્મુઝ પર અંકુશ જાળવી રાખીને વિશ્વને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધું છે. અમેરિકા જેવા દેશમાં પણ આ યુદ્ધના કારણે મોંઘવારી વધી છે. અમેરિકા અને ઇરાન બંને તેની માંગો પર અડગ હોવાથી હાલમાં યુદ્ધનો અંત દેખાતો નથી.
મધ્યપૂર્વના દેશોએ યુદ્ધના લીધે ફસાયેલાઓને અટકાવવા હાથ મિલાવ્યા
યુએઈમાં ઇરાનના મિસાઇલોને આંતરવા જતાં બેના મોત થયા હતા. સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે તેના ઓઇલથી સમૃદ્ધ પૂર્વી પ્રાંતમાં અબુધાબી અનેક ડ્રોનને આંતર્યા હતા. જ્યારે બહેરીને જણાવ્યું હતું કે ઇરાનના હુમલાના લીધે એરપોર્ટની ફ્યુઅલ ટેન્કમાં લાગેલી આગ બુઝાવી છે. આ દરમિયાન સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, ઇરાક, કુવૈત, બહેરીન બધા દેશોએ આ યુદ્ધના લીધે ફસાયેલા પ્રવાસીઓ માટે સુસંકલિત પ્રયત્નો કરવા હાથ મિલાવ્યા છે, જેથી અંધાધૂંધી ન થાય. તેમા એક એરસ્પેસ બંધ થાય તો આ દેશો એકબીજાના એરસ્પેસનો ઉપયોગ કરવા દેવા માટે સંમત થયા છે.
યુદ્ધના લીધે અમેરિકાના શસ્ત્રો ખૂટવા માંડયા હોવાની સંભાવના
અમેરિકાને એકબાજુએ મધ્યપૂર્વમાં ઇરાન સાથે ચાલતા યુદ્ધ અને બીજી બાજુએ યુક્રેનને પૂરા પાડવામાં આવતા શસ્ત્રોના પુરવઠાના લીધે શસ્ત્રોનો જથ્થો ઘટવા માંગ્યો હોવાનું કહેવાય છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલયે જાહેરાત કરી છે કે તેણે ચાર કંપનીઓ સાથે ત્રણ સમજૂતી કરી છે જેથી શસ્ત્રોના ઉત્પાદનમાં ઝડપ લાવી શકાય.
આ સમજૂતી હેઠળ બીએઈ સિસ્ટમ્સ અને લોકહીડ માર્ટિન ટીએચએએડી ઇન્ટરસેપ્ટર માટે સિક્કરનું ઉત્પાદન ચાર ગણુ વધારશે. જ્યારે હનીવેલ એરોસ્પેસ મહત્ત્વના ઘટકોના ઉત્પાદનમાં વૃદ્ધિ કરશે.
ટીએચએએડી પ્રણાલિને બેલિસ્ટિક મિસાઇલોને તેમના ટર્મિનલ ચરણમાં રોકવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
લોકહીડ માર્ટિને તાજેતરમાં જ તેની ઇન્ટરસેપ્ટરની ઉત્પાદન ક્ષમતા હાલમાં વાર્ષિક ધોરણે ૯૬ એકમથી વધારી ૪૦૦ કરવાના કરાર પર સહીસિક્કા કર્યા છે, તે બતાવે છે કે અમેરિકાને કેટલી શસ્ત્રોની જરૂરિયાત છે.

