WORLD : ટ્રમ્પની હિટલરશાહી સામે યુરોપના દેશોનો વિદ્રોહ

0
11
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા પર ‘કબજો’ કર્યા પછી હવે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ માટે ઉતાવળા બન્યા છે ત્યારે યુરોપના દેશોએ ટ્રમ્પનો ઉગ્ર વિરોધ કર્યો છે. યુરોપના સાથી દેશોનો વિરોધ સાંખી નહીં શકતા ટ્રમ્પે આઠ દેશો પર ટેરિફ ઝિંકી દીધા છે. જોકે, યુરોપના દેશો ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સામે લડી લેવાના મૂડમાં છે. ટ્રમ્પના ટેરિફથી ડર્યા વિના હવે યુરોપના દેશોએ અમેરિકા સાથે લાંબા સમયથી ચાલતી વેપાર કરારની વાટાઘાટો અટકાવી દીધી છે. ફ્રાન્સના પ્રમુખ મૈક્રો અને બ્રિટનના પીએમ સ્ટાર્મરે પણ ટ્રમ્પને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ટેરિફની કાર્યવાહીથી ડરવાના નથી અને ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો વિરોધ ચાલુ રાખશે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે સાથ નહીં આપવા બદલ યુરોપના આઠ દેશો પર ૧ ફેબુ્રઆરીથી ૧૦ ટકા ટેરિફ નાંખવાની અને આ મુદ્દે કોઈ સોદો ના થાય તો ૧ જૂનથી ટેરિફ વધારીને ૨૫ ટકા કરવાની શનિવારે જાહેરાત કરી હતી. જોકે, ટ્રમ્પના ટેરિફથી ડરવાના બદલે યુરોપીયન સંઘ (ઈયુ)એ અમેરિકા સાથે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રાન્સ એટલાન્ટિક વેપાર સમજૂતી અટકાવી દીધી છે. યુરોપીયન સંસદના વરિષ્ઠ સભ્યોએ આ નિર્ણયની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે ટેરિફના ટેન્શને ટ્રાન્સ એટલાન્ટિક વેપાર કરારને મંજૂરી આપવાના રાજકીય સંદર્ભને મૌલિકરૃપે બદલી નાંખ્યો છે.

ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને ટ્રમ્પ વચ્ચે વધતા ઘર્ષણ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે ટેરિફ ટેન્શન અને રાજકીય મતભેદોનો ઉકેલ નહીં આવે તો માત્ર યુરોપ નહીં અમેરિકાને પણ અબજો ડોલરનું નુકસાન થશે. આ વિવાદની અસર બંને દેશોના વેપાર, ઉદ્યોગ, અર્થતંત્ર પર થશે. યુરોપ અને અમેરિકા વચ્ચે પ્રત્યેક વર્ષે હજારો અબજ ડોલરનો વેપાર થાય છે. અમેરિકા યુરોપને એનર્જી, ટેક્નોલોજી અને સંરક્ષણ સંબંધિત આધુનિક વસ્તુઓ સપ્લાય કરે છે. બદલામાં યુરોપ અમેરિકાને મશીનરી, ઓટો પાર્ટ્સ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનોની નિકાસ કરે છે. બંને તરફથી તણા વધશે તો યુરોપીયન કંપનીઓની અમેરિકન બજારમાં સ્પર્ધા નબળી પડી શકે છે અને અમેરિકન કંપનીઓને પણ યુરોપમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

યુરોપીયન સંસદના સભ્ય સિગફ્રીડ મુરેશાને કહ્યું કે, સાંસદોએ ગયા વર્ષે જુલાઈમાં યુરોપીયન સંઘ અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીને આગળ વધારવાની તૈયારી કરી લીધી હતી. આ કરાર હેઠળ અમેરિકાથી યુરોપીયન સંઘમાં આયાત પર ટેરિફ ઘટીને શૂન્ય કરી દેવાયો હતો, જ્યારે યુરોપીયન સંઘના સામાન પર અમેરિકા દ્વારા ૧૫ ટકા ટેરિફ લગાવાયો હતો. આ કરાર પર સંમતિ થઈ જવા છતાં હવે નવી પરિસ્થિતિઓમાં આ કરાર મંજૂર થાય તેવી શક્યતાઓ નથી. યુરોપીયન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ મૈનફ્રેડ વેબરે કહ્યું કે, વોશિંગ્ટન અને બ્રસેલ્સ વચ્ચે વધતા તણાવના કારણે આ સમજૂતીને મંજૂરી આપવી રાજકીય રૃપે અશક્ય થઈ ગયું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના આઠ દેશો પર ૧૦ ટકા ટેરિફની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડ મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય તો ૧ જૂન, ૨૦૨૬થી ટેરિફ વધારીને ૨૫ ટકા થઈ જશે. તેમણે ઉમેર્યું કે, અમેરિકા સદીઓથી યુરોપીયન દેશોને ‘સબસિડી’ આપતું આવ્યું છે અને નાટો સ્વરૃપે તેનું રક્ષણ કરતું આવ્યું છે. હવે ડેન્માર્કે પણ કંઈક પાછું આપવાનો સમય આવી ગયો છે કારણ કે ‘વિશ્વ શાંતિ’ દાવ પર લાગી છે. દુનિયામાં શાંતિ માટે ગ્રીનલેન્ડ પર અમેરિકાનો કબજો હોવો અત્યંત જરૃરી છે તેમ ટ્રમ્પે ભાર પૂર્વક કહ્યું હતું.

જોકે, ટ્રમ્પની ધમકી પર યુરોપીયન યુનિયનના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે, યુરોપીયન સંઘ આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોની સંપ્રભુતાના રક્ષણ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોએ કહ્યું, ફ્રાન્સ યુરોપ અને દુનિયાના અન્ય ભાગોમાં દેશોની સંપ્રભૂતા અને સ્વતંત્રતા માટે કટિબદ્ધ છે. આ આધારે ફ્રાન્સ યુક્રેનનું સમર્થન કરે છે અને આ જ કારણે ગ્રીનલેન્ડને પણ ટેકો આપે છે. ગ્રીનલેન્ડમાં ડેન્માર્ક દ્વારા આયોજિત સૈન્ય અભ્યાસમાં આ જ કારણથી ફ્રાન્સે ભાગ લીધો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here