અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી મુદ્દે એક સપ્તાહમાં બીજી વખત ભારતને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. પીએમ મોદીએ હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદવાનું આશ્વાસન આપ્યું છે તેવું ટ્રમ્પે કહ્યા પછી પાંચ જ દિવસમાં ભારતને જંગી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. બીજીબાજુ રશિયા પાસેથી ભારત કરતાં વધુ ક્રૂડ ઓઈલ ખરીદનાર ચીન પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડવાના સંકેતો આપ્યા છે. ટ્રમ્પનું આ ગાંડપણ ભારતીય અર્થતંત્રને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ટ્રમ્પના ટેરિફના કારણે ભારત અને અમેરિકાના સંબંધો મુશ્કેલીમાં મુકાતા ભારત ચીન સાથે સંબંધો સુધારી રહ્યું છે. ભારતે ચીનમાંથી આયાત વધારી છે. આવા સમયે ટ્રમ્પ ભારત પર જંગી ટેરિફ નાંખે તો ભારતીય સામાનની અમેરિકામાં નિકાસ ઘટી જાય. બીજીબાજુ ચીનના સામાનની ભારતમાં આયાત વધે તો ભારત માટે સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ સર્જાવાનું જોખમ છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારોને કહ્યું, પીએમ મોદીએ મને રશિયન ક્રૂડ ઓઈલ નહીં ખરીદવાની ખાતરી આપી હતી. પરંતુ તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે તો તેમણે જંગી ટેરિફ ચૂકવવો પડશે. અને તેઓ જંગી ટેરિફ ચૂકવવા માગતા નથી. ટ્રમ્પને રશિયા પાસેથી ઓઈલ ખરીદી અંગે ભારતની પ્રતિક્રિયા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, મને વિશ્વાસ નથી આવતો કે તેમણે આવું કહ્યું છે. મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે.

આ પહેલાં ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરે છે તે બાબતથી અમેરિકા ખુશ નથી. આવી ખરીદીથી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને યુક્રેન સામેનું યુદ્ધ ચાલુ રાખવામાં મદદ મળે છે. ટ્રમ્પના આ દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ફોન પર કોઈ વાતચીત થઈ નથી. ભારત પોતાના ગ્રાહકોના હિતોના રક્ષણ સાથે કોઈ પ્રકારની સમજૂતી નહીં કરે.
ભારતની પ્રતિક્રિયા પછી વ્હાઈટ હાઉસના એક અધિકારીએ પણ ગુરુવારે કહ્યું હતું કે, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અડધી કરી દીધી છે, પરંતુ ભારતીય સૂત્રોએ આ દાવો નકારી કાઢ્યો હત. સૂત્રો મુજબ ભારતીય રિફાઈનરીઓએ અગાઉથી જ નવેમ્બરના લોડિંગ માટે ઓર્ડર આપી દીધો છે અને તેમાં કોઈ કાપ જોવા મળ્યો નથી. કોમોડિટી કંપની કેપ્લર મુજબ આ મહિને ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાત લગભગ ૨૦ ટકા વધીને દૈનિક ૧૯ લાખ બેરલ થઈ જશે, કારણ કે યુક્રેનના ડ્રોને રશિયન રિફાઈનરીઓ પર હુમલા કર્યા પછી રશિયાએ નિકાસ વધારી દીધી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અગાઉથી જ ભારત પર ૫૦ ટકાથી વધુનો ટેરિફ નાંખ્યો છે, જેને પગલે બ્રાઝિલ સાથે ભારત અમેરિકાના સૌથી વધુ ટેરિફનો સામનો કરનારો દેશ છે. ટ્રમ્પના ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારની વાતચીત પણ અટકી ગઈ છે.
દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ મહિનાના પ્રારંભમાં ચીન પર વધારાના ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જેનો અમલ ૧ નવેમ્બરથી થવાનો હતો. જોકે, હવે ટ્રમ્પે ચીન પરનો આ ૧૦૦ ટકા ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટોની વિચારણા ચાલી રહી છે તેવા સંકેત આપતા ટ્રમ્પે કહ્યું કે, ચીન પર ૧૦૦ ટકા ટેરિફ ટકાઉ નથી. જોકે, આ બંને પક્ષોમાં વાત નહીં બને તો આ ટેક્સ આગળ પણ લાગુ રહી શકે છે. ટ્રમ્પનું કહેવું છે કે ચીન સાથે અમેરિકાના સંબંધો ઘણા સારા છે અને તેમને આશા છે કે દક્ષિણ કોરિયામાં એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ બેઠકમાં ચીન અને અમેરિકા વચ્ચે વાતચીત થશે. મને લાગે છે કે ચીન સાથે બધું બરાબર રહેશે, પરંતુ એક નિષ્પક્ષ સમજૂતી કરવી જોઈએ.
અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે, અમેરિકા અને ચીન આ સપ્તાહના અંતે વાતચીત કરશે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરની અસર હવે મર્યાદિત નથી રહી. તેની સીધી અસર અન્ય દેશોની કંપનીઓ અને ગ્રાહકો પર પણ પડી રહી છે. ટેરિફના કારણે ચીનથી આયાત થતા ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ જેવા ઉત્પાદનો મોંઘા થઈ જશે. ચીને પણ એવા સંકેત આપ્યા છે કે તે અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે.

