કહેવત છે કે ભેંસના શીંગડા ભેંસને જ ભારે પડે એ જ રીતે ટ્રમ્પનો ટેરિફ અમેરિકનોને જ ભારે પડી રહ્યો છે. ટ્રમ્પે નાખેલો ટેરિફ ૧૦ લાખ અમેરિકનોને ગરીબીના ખપ્પરમાં હોમી દેશે, આવું બીજા કોઈએ નહીં પણ અમેરિકાની યેલ યુનિવર્સિટીની બજેટ લેબે જણાવ્યું છે. આમ ટ્રમ્પના ટેરિફે અમેરિકનોને મોંઘવારી, બેકારી અને ગરીબીના ખપ્પરમાં હોમવા માંડયા છે.

યેલ યુનિવર્સિટીની બજેટ લેબના વિશ્લેષણ મુજબ ૨૦૨૬ સુધીમાં તો ટ્રમ્પના ટેરિફના કારણે ૧૦ લાખ અમેરિકનો ગરીબીમાં હોમાઈ ચૂક્યા હશે. ટ્રમ્પે નાખેલા ટેરિફના લીધે અમેરિકાના લગભગ ૬૦થી ૭૦ ટકા વર્ગની ખરીદશક્તિ ખતમ થઈ રહી છે. તેઓ રીતસરની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા સંઘર્ષ કરી રહ્યા છે. અમેરિકામાં ગરીબોની કુલ સંખ્યા ૩.૬ કરોડ છે અને ટ્રમ્પની નીતિઓ જોતાં તે ચાર કરોડને વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય. બજેટ લેબ મુજબ ગરીબી દર ૨૦૨૬માં ૧૨ ટકાથી વધીને ૧૨.૨ ટકા થઈ જશે.ટ્રમ્પના ટેરિફના લીધે આજે બટાટાનો ભાવ પ્રતિ કિલો ૮૪ રૂપિયા પર પહોંચી ગયો છે. ઇંડાનો ભાવ ૧૨ ટકા વધીને એક ડઝનના ૩.૫૯ ડોલર એટલે કે ૩૦૦ રૂપિયા થઈ ગયો છે. દૂધ પ્રતિ ગેલન ૪.૧૭ ડોલર એટલે કે ૩૫૦ રૂપિયાના ભાવે મળી રહ્યું છે. એક પાઉન્ડ ચિકન એટલે કે ૪૫૩ ગ્રામના ચિકનનો ભાવ ૨.૦૮ ડોલર એટલે કે ૧૭૫ રૂપિયાને આંબી ગયો છે. એક પાઉન્ડ કેળાનો ભાવ ૮.૮ ટકા વધ્યો છે અને તે ૫૬ રુપિયે વેચાઈ રહ્યા છે. ચોખાનો ભાવ ૮૯, બ્રેડનો ૧૫૫ અને બીફનો ભાવ ૫૫૭ રૂપિયા થઈ ગયો છે. આમ અમેરિકનોની સામાન્ય ખાવાપીવાનીવસ્તુઓ પણ તેમના પહોંચ બહાર થવા લાગી છે. આ બતાવે છે કે અમેરિકામાં આર્થિક સંકટ વધી રહ્યું છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા ચોંકાવનારા છે. ઓગસ્ટના મોંઘવારીના ડેટા મુજબ તે ગયા વર્ષની તુલનાએ ૨.૯ ટકા વધ્યો છે. જુલાઈમાં આ દર ૨.૭ ટકા હતો. જાન્યુઆરી પછી મોંઘવારી સતત વધતી રહી છે. કરિયાણાની કિંમતોમાં વાર્ષિક ધોરણે ૨.૪ ટકાનો વધારો થયો છે. યુએસડીએ અનુમાન મુજબ ૨૦૨૫માં ગ્રોસરીની કિંમતમાં વાર્ષિક ધોરણે ૩.૩ ટકા સુધીનો વધારો થઈ શકે છે.
અમેરિકામાં બીફ એટલે કે દૂધ, બ્રેડ માંસ અને ઇંડા જેવી ચીજો સૌથી વધુ મોંઘી થઈ રહી છે, જે તેની દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુ છે.હાલમાં અમેરિકન ફેમિલીનો માસિક ખર્ચ ૯૦૦ ડોલર છે, જે હજાર ડોલરને આંબી જાય તો આશ્ચર્ય નહીં થાય. ફેડરલ રિઝર્વએ મોંઘવારીને અંકુશમાં રાખવાના પ્રયત્નો કર્યા તે નિષ્ફળ ગયા છે. આ માટે તેણે કેટલીય વખત ફેડ રેટમાં ઘટાડો પણ કર્યો છે, પરંતુ આ કારી પણ કામ આવી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાના ટેરિફના લીધે સ્થાનિક સ્તર પર વિદેશી સામાનોની કિંમતમાં ભારે ઉછાળો આવવા લાગ્યો છે, જે સામાન્ય પ્રજાને અસર કરી રહ્યો છે.આ જોતાં અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા ત્યારે અમેરિકાને મૂડીપતિઓને હવાલે કરી દેવાત અમેરિકનોની જ ઘોર ખોદાશે તેવી બાઇડેને આપેલી ચેતવણી અમેરિકનોને સાચી લાગી રહી છે. અમેરિકન મૂડીપતિઓ રાજા છે, પરંતુ અમેરિકનો ગુલામ છે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

