બ્રિટનમાં વિન્ડસર કેસલ ખાતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શાહી આવકાર મળ્યો હતો, પરંતુ મહેલની દીવાલોની બહાર ટ્રમ્પ આવકાર્ય ન હતા. હજારો લોકો તેમના વિરોધમાં બહાર ઊભા હતા.

ટ્રમ્પના યુકેના આ પ્રવાસમાં વિરોધમાં હજારો લોકોએ સેન્ટ્રલ લંડન સુધી કૂચ કરી હતી. એકબાજુએ કિંગ ચાર્લ્સ-૩ અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમેર ટ્રમ્પનું સ્વાગત કરતાં હતા તે જ મહેલની બહાર ટ્રમ્પનો મોટાપાયા પર વિરોધ ચાલતો હતો.
ટ્રમ્પનો વિરોધ કરતાં લોકો પાસેના બેનરોમાં લખ્યું હતું નો રેસિઝમ, નો ટ્રમ્પ. લગભગ ત્રણ હજાર લોકોએ રિજન્ટ સ્ટ્રીટથી સંસદ તરફ કૂચ કરી હતી કેટલાક લોકોએ જાયન્ટ ટ્રમ્પને બેબી બ્લિમ્પ સાથે બતાવ્યા હતા. એકમાં તો ટ્રમ્પને ડાઇપરમાં બતાવવામાં આવ્યા હતા. જુન ૨૦૧૯માં પણ આ પ્રકારના દેખાવોની જબરદસ્ત છાપ પડી હતી.જો કે આ વખતે ટ્રમ્પના વિરોધમાં કૂચ કરનારાઓની સંખ્યા છ વર્ષ પહેલાં લોકો હતા તેના કરતાં ઓછી હતી. ટ્રમ્પની આ વખતની મુલાકાતમાં રાજધાનીને ટાળવામાં આવી છે. તેના બદલે ૩૨ કિ.મી. દૂર આવેલા ઐતિહાસિક શહેર વિન્ડસરમાં આ મુલાકાત ગોઠવાઈ છે. ચેકર્સ નામનું આ સ્થળ કન્ટ્રી એસ્ટેટ છે અને ટ્રમ્પ ત્યાં સ્ટારમેરને ગુરુવારે મળશે.

