અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર નોબલ પુરસ્કાર મેળવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જ નિષ્ણાતોએ આપેલા એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પની નોબલ પુરસ્કાર જીતવાની શક્યતા નહિંવત છે. કારણકે, નોબલ પુરસ્કાર એવા લોકોને મળે છે, જે ચર્ચાઓથી દૂર રહે છે અને સમાજ કલ્યાણના કાર્યો કરતાં રહે છે.

ટ્રમ્પ પોતે નોબલ પુરસ્કારના હકદાર હોવાની અનેકવખત જાહેરાત કરી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમણે આ નોબલ પુરસ્કારને અમેરિકાના સન્માન સાથે જોડ્યો છે. છેલ્લા આઠ દિવસમાં તેમણે આ મુદ્દો અનેક વખત ઉઠાવ્યો છે. ટ્રમ્પની વારંવાર જાહેરાત પાછળનું કારણ 10 ઓક્ટોબર છે. 10 ઓક્ટોબરના રોજ આ પુરસ્કારની જાહેરાત થવાની છે.
શું ટ્રમ્પને મળશે નોબલ પુરસ્કાર?
નોર્વેની રાજધાની ઓસ્લોમાં કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અને વિભાજનકારી પદ્ધતિઓ તેમની પુરસ્કાર જીતવાની શક્યતામાં ઘટાડો કરે છે. ઇતિહાસકાર ઓવિંદ સ્ટીનર્સને જણાવ્યું હતું કરે, ટ્રમ્પે ઘણી વખત નોબેલ પુરસ્કારના આદર્શોની વિરુદ્ધ કામ કર્યું છે. ટ્રમ્પ છ કે સાત યુદ્ધોનો અંત લાવ્યા હોવાનો દાવો કરે છે, પરંતુ નિષ્ણાતોનું મંતવ્ય તેનાથી વિપરિત છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના પ્રેસિડન્ટ કરીમ હેગાગે જણાવ્યું હતું કે, નોબેલ સમિતિ મૂલ્યાંકન કરશે કે તેમની પાસે શાંતિ સ્થાપિત કરવામાં સફળતાના સ્પષ્ટ ઉદાહરણો છે કે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો લોકો નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતાની ઉમેદવારી રજૂ કરવા માટે લાયક છે.
ટ્રમ્પે આ પુરસ્કારને અમેરિકાના સન્માન સાથે જોડ્યો
ટ્રમ્પે આ પુરસ્કારને અમેરિકાના સન્માન સાથે જોડ્યો છે. ટ્રમ્પે કહ્યું કે જો સોમવારે જાહેર કરાયેલ ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાની તેમની યોજના સફળ થાય, તો તેમણે થોડા જ મહિનામાં આઠ સંઘર્ષો ઉકેલ્યા હશે. આ અદ્ભુત છે. કોઈએ ક્યારેય આવું કર્યું નથી. તેમ છતાં તેઓ મને નોબેલ પુરસ્કાર નહીં આપે? તેઓ તે એવી વ્યક્તિને આપશે જેણે કંઈ કર્યું નથી. તેઓ તે એવી વ્યક્તિને આપશે જેણે ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો અને યુદ્ધને ઉકેલવા માટે શું કરવામાં આવ્યું હતું તે વિશે પુસ્તક લખ્યું છે… હા, નોબેલ પુરસ્કાર એક લેખકને મળશે. પરંતુ ચાલો જોઈએ શું થાય છે.
ટ્રમ્પે આગળ કહ્યું કે, જો મને નોબલ આપવામાં નહીં આવે તો તે આપણા દેશ માટે ખૂબ જ અપમાનજનક હશે. હું તમને કહેવા માંગુ છું કે, હું નથી ઇચ્છતો કે અમેરિકાનું અપમાન થાય. આ સન્માન દેશ માટે છે. કારણ કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી. કૃપા કરીને તેના વિશે વિચારો. મને લાગે છે કે તે (ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાની યોજના) સફળ થશે. આઠ યુદ્ધની સમાપ્તિનો મધ્યસ્થી બનવુ વાસ્તવમાં બિરદાવવા લાયક છે.

