અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને વૈશ્વિક બજારમાં મોટી હલચલ મચાવી દીધી છે. ફ્લોરિડામાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ભવિષ્યવાણી કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના આ આશાવાદી નિવેદનની સીધી અસર ઓઇલના ભાવ પર જોવા મળી છે. લાંબા સમયથી ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની આશંકા વચ્ચે રોકાણકારોને મોટી રાહત મળી છે અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે.

યુદ્ધના તણાવ વચ્ચે રાહત: વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવ ઘટ્યા
સોમવારે યુદ્ધના તણાવને કારણે ઓઇલના ભાવ ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ હતા, પરંતુ મંગળવારે ચિત્ર બદલાઈ ગયું. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે 7.2% એટલે કે 7.15 ડૉલરનો ઘટાડો થતા નવી કિંમત 91.81 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તેવી જ રીતે, WTI ક્રૂડના રેટમાં પણ 6.26 ડૉલરનો ઘટાડો જોવા મળ્યો અને તે 88.51 ડૉલર પ્રતિ બેરલ પર બંધ થયો.
ટ્રમ્પ-પુતિન વચ્ચે મહત્ત્વની વાતચીત
બજારમાં આવેલી આ નરમાઈ પાછળ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી એક કલાકની ટેલિફોનિક વાતચીત મુખ્ય કારણ માનવામાં આવે છે. ક્રેમલિન દ્વારા આ ચર્ચાને અત્યંત સ્પષ્ટ અને રચનાત્મક ગણાવવામાં આવી છે. જોકે, પુતિને ચેતવણી પણ આપી છે કે જો યુદ્ધ વધશે તો ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’થી થતો તેલનો પરિવહન માર્ગ ઠપ થઈ શકે છે, જે વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું કરી શકે છે. બીજી તરફ, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકા વૈશ્વિક બજારને સ્થિર કરવા માટે ઓઇલ પરના કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપવા પર વિચાર કરી રહ્યું છે.ટ્રમ્પે યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થવા કર્યો દાવો
ટ્રમ્પે વર્તમાન સંઘર્ષને ટૂંકા ગાળાની ઘટના ગણાવી દાવો કર્યો છે કે અમેરિકન સેના પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવાની નજીક છે. તેમણે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માં જહાજોનો રસ્તો રોકવાનો પ્રયાસ થશે, તો અમેરિકા આક્રમક સૈન્ય કાર્યવાહી સાથે જવાબ આપશે. આ દરમિયાન, ઈરાનમાં પણ મોટો ફેરફાર થયો છે. આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ તેમના પુત્ર મુજતબા ખામેનેઈને નવા સર્વોચ્ચ નેતા નિયુક્ત કરવામાં આવ્યા છે, જેની ટ્રમ્પે આકરી ટીકા કરી છે. એક્સપર્ટ્સ માને છે કે ઈરાનમાં આ નેતૃત્વ પરિવર્તનથી તેહરાનનું વલણ વધુ કડક બની શકે છે, જેનાથી ભવિષ્યમાં રાજદ્વારી ગૂંચવણો વધવાની શક્યતા છે.
