અમેરિકામાં નોકરીની આશાએ જતા ભારતીયો સહિતના વિદેશીઓના સપનાઓ પર પાણી ફેરવી નાખતો નિર્ણય અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો છે. ટ્રમ્પ પ્રશાસને નોકરી માટે અપાતા એચ-૧બી વિઝા મેળવવાના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. જે મુજબ હવેથી એચ-૧બી વિઝા માટે પ્રતિ કર્મચારી અમેરિકી કંપનીઓએ દર વર્ષે એક લાખ ડોલર સરકારને ચુકવવા પડશે. આ ભરપાઇ એક કે બે વર્ષ નહીં પણ છ વર્ષ સુધી કરવી પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝાના નિયમોમાં ફેરફાર કરતા આ સરકારી આદેશ પર સહી કરી દીધી છે. નવા નિયમો અમેરિકાના તમામ એચ-૧બી વિઝાધારકોને લાગુ પડશે.

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે આદેશ પર સહી કરી હતી જેનો અમલ ૨૧મી સપ્ટેમ્બરે રાત્રે ૧૨ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે, આ દરમિયાન અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે એચ-૧બી વિઝાના નવા નિયમોને જાહેર કરતા કહ્યું હતું કેે અમેરિકાને કુશળ કર્મચારીઓની જરૂર છે, વિઝાના નવા નિયમો પાછળનો ઉદ્દેશ્ય વિદેશીઓ કરતા અમેરિકન કર્મચારીઓને વધુ તક આપવાનો છે. અમેરિકન કંપનીઓએ અમેરિકન કર્મચારીઓને પ્રાથમિકતા આપવી પડશે. આ પોલિસી તમામ એચ-૧બી વિઝાધારકોને લાગુ રહેશે. જે લોકો વિઝા રિન્યૂ કરાવવા માગતા હોય તેમને પણ લાગુ પડશે. કંપનીએ છ વર્ષ સુધી પ્રતિ વર્ષ ૧ લાખ ડોલરની ફી ચુકવવી પડશે જે ભારતીય રૂપિયામાં વાર્ષિક આશરે ૮૮ લાખ રૂપિયા થાય છે. ટ્રમ્પની હાજરીમાં હોવર્ડ લુટનિકે અમેરિકામાં સક્રિય કંપનીઓને કહ્યું હતું કે જો કંપનીઓ કોઇ કર્મચારીને તાલિમ આપી તૈયાર કરવા જઇ રહી હોય તો તેમાં અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલાને તક આપે, અમેરિકાના લોકોને તાલિમ આપે. આપણી નોકરીઓને બીજાના હાથમાં જતા અટકાવો. જો વિદેશી કર્મચારીઓ કંપની તેમજ અમેરિકાની માટે અત્યંત મૂલ્યવાન હોય તો તેમને જરૂર તક આપો, કુશળતા ન ધરાવતા કર્મચારીઓને કાઢી મુકો અને અમેરિકનોને તક આપો. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકામાં કંપનીઓમાં દોડધામ શરૂ થઇ ગઇ છે. કંપનીઓ ખર્ચ બચાવવા માટે એવા જ કર્મચારીઓને રાખશે જે કંપની માટે વધુ મહત્વના હોય, અન્ય વિદેશી કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. હવેથી અત્યંત કુશળ અને કંપનીને એમ લાગે કે તેમના માટે કર્મચારી બહુ જ જરૂરી છે તેવા વિદેશી કર્મચારીઓને જ અમેરિકામાં કામ કરવાની તક મળશે.
અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડે વધુમાં દાવો કર્યો હતો કે નવા વિઝા પ્રોગ્રામથી અમેરિકાને વધુ કુશળ વિદેશી કર્મચારીઓ મળશે, હાલ જે કર્મચારીઓ અમેરિકામાં કામ કરી રહ્યા છે તેઓ પણ માત્ર આર્થિક ફાયદો મેળવવાના બદલે અમેરિકાના વિકાસમાં યોગદાન પણ આપશે. વ્હાઇટ હાઉસ સ્ટાફ સેક્રેટરી વિલ સ્કાર્ફે કહ્યું હતું કે જો કંપનીઓએ કુશળ કર્મચારીઓને રાખવા હોય તો આ ફી વધારો ભરવો જ પડશે, સરકારના આ નિર્ણયથી અમેરિકામાં કામ કરતી કંપનીઓ હવેથી અત્યંત કુશળ કર્મચારીને જ પ્રાથમિકતા આપશે. જ્યારે ટ્રમ્પે કહ્યું હતું કે અમને વર્કર્સની જરૂર છે, અત્યંત સારા વર્કર્સની જરૂર છે અને તે થઇને જ રહેશે. નોંધનીય છે કે એચ-૧બી વિઝા મેળવવા હોય તો અમેરિકામાં સક્રીય કંપનીઓએ વિદેશી કર્મચારીને સ્પોન્સર કરવો પડે છે. જે માટે હવેથી પ્રત્યેક કર્મચારી કંપનીએ દર વર્ષે એક લાખ ડોલર ટ્રમ્પ સરકારને ચુકવવા પડશે.

