અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ન્યૂયોર્ક ટાઇમ્સ પર ૧૫ અબજ ડોલર (૧.૨૬ લાખ કરોડ રૂપિયા)નો બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ અખબારને અમેરિકાના ઇતિહાસનું સૌથી ખરાબ અને સૌથી વિકૃત અખબાર ગણાવ્યું છે.

ટ્રમ્પે વધુમાં અખબારને રેડિકલ લેફ્ટ ડેમોક્રેટ પાર્ટીનું સત્તાવાર મુખપત્ર ગણાવ્યું છે. ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સ અખબાર ઉપરાંત તેના ચાર પત્રકારોે સામે પણ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. કોર્ટના દસ્તાવેજો પરથી આ માહિતી મળી છે.ફલોરિડા સ્થિત અમેરિકન જિલ્લા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસમાં અખબારના બે પત્રકારો દ્વારા લખવામાં આવેલા અને ૨૦૨૪ની ચૂંટણી પહેલા પ્રકાશિત અનેક લેખો અને એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રમુખ ટ્રમ્પની વિરુદ્ધ ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ માનહાનિ કરવાની ન્યૂયોર્ક ટાઇમ્સની દાયકાઓમા જૂની પ્રવૃત્તિનો હિસ્સો છે.
કેસમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિવાદીઓએ આવા નિવેદનોને બેદરકારીથી, નિવેદનો જૂઠા હોવાની જાણકારી સાથે અને તેમની સત્યતા અને જૂઠની બેદરકારીથી અવગણના કરી પ્રકાશિત કર્યા હતાં.
આ ઘટનાક્રમ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સે અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. ઉલ્લેખનીય છે કે જુલાઇમાં ટ્રમ્પે ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને મીડિયા ઉદ્યોગપતિ રુપર્ટ મર્ડોકની વિરુદ્ધ ૧૦ અબજ ડોલરનો બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. અખબારે ધનિક ફાઇનાન્સર જેફરી એપસ્ટીનની સાથે ટ્રમ્પના સંબધો પર એક સમાચાર પ્રકાશિત કર્યા હતાં.

