માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના સ્થાપક સૌરભ મુખરજીએ ભારતીયો હચમચી જાય તેવી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પે ભારત પરનો ટેરિફ પાછો ન ખેંચ્યો તો ક્રિસમસ સુધીમાં ભારતમાં બે કરોડ નોકરીઓ ખતમ થવાનું જોખમ છે. આમ અમેરિકા સાથે ભારતનો તનાવ કરોડો ભારતીયોની સ્થિતિ ખરાબ કરી શકે છે. વર્ષે બેથી પાંચ લાખ રુપિયા કમાતા લોકોની નોકરીઓ જવી ઘણું દુ:ખદ છે.

તેમણે જણાવ્યું હતું કે આશા રાખો અને પ્રાર્થના કરો કે ભારત સરકાર અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ ટૂંક સમયમાં એક મુક્ત વેપાર કરાર પર સમજૂતી કરે. ભારતમાં મધ્યમ વર્ગ પર આમ પણ નોકરીઓનું જોખમ વધી રહ્યું છે. જો નીતિ ઘડવૈયાઓએ તરત જ કાર્યવાહી ન કરી તો ભારતમાં કરોડો વ્હાઇટ કોલર્સ જોબ ખતમ થઈ શક છે.તેમણે ઉમેર્યુ હતું કે આ નોકરીઓ જવાનું કારણ મંદી નથી, પણ કંપનીઓની કામગીરી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વૈશ્વિક વ્યાપારની પરિસ્થિતિઓના કારણે આ સ્થિતિ જોવા મળી શકે છે. આઇટી, બેન્કિંગ અને મીડિયા જેવી મિડલ ક્લાસ નોકરીઓનું સ્થાન ગિગ જોબ્સ લેશે. તેમનું અનુમાન છે કે ભારતને તેની સંપૂર્ણ અસરનો સામનો કરવામાં બે વર્ષ લાગશે.
આ દરમિયાન નોકરી કરનારાઓનો મોટો હિસ્સો ગાયબ થઈ શકે છે. આનાથી ભારત એક મોટી ગિગ ઇકોનોમી બની જશે. તે ફક્ત રાઇડશેર અને ફૂડ ડિલિવરી સુધી જ મર્યાદિત નહીં હોય. આપણા બધા સગાસંબંધી આ ગિગ ઇકોનોમીનો હિસ્સો હશે.
તેમનું કહેવું હતું કે આ સ્થિતિનું કારણ કંપનીઓ દ્વારા વધુને વધુ પ્રમાણમાં અપનાવવામાં આવી રહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈ) નો ઉપયોગ છે. પછી તે બેન્ક હોય, મીડિયા હોય કે આઇટી સર્વિસ પ્રોવાઇડર્સ હોય બધા એઆઇનો ઉપયોગ કરે છે. જાહેરાતો પમ એઆઇ આધારિત થઈ ચૂકી છે. આ ઉપરાંત સ્થાનિક દેવાનું વધતુ પ્રમાણ પણ બોજો વધારી રહ્યું છે. મુખરજીના જણાવ્યા મુજબ હોમલોનને છોડીને ભારતીયો પરનું દેવું તેમની સ્થાનિક આવકના ૩૩થી ૩૪ ટકા છે.

