અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગ્રીનલેન્ડની માંગનો વિરોધ કરતાં યુરોપના આઠ દેશો પર પહેલી ફેબ્રુઆરીથી ટેરિફ નાખ્યો છે. તેના જવાબમાં યુરોપીયન સંઘ પણ ચૂપ બેસી રહ્યુ નથી, તેણે પણ અમેરિકા પર ૧૦૭ અબજ ડોલરનો ટેરિફ નાખવાનું નક્કી કરી લીધું છે. જો ટ્રમ્પનો ટેરિફ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવશે તો યુરોપીયન સંઘનો અમેરિકા પરનો ટેરિફ છઠ્ઠી ફેબ્રુઆરીથી અમલમાં આવશે. અમેરિકા અને યુરોપ વચ્ચે ટેરિફ વોર શરૂ થવાની તૈયારીમાં જ છે, જે આગામી દિવસોમાં તીવ્ર બની શકે છે. યુરોપીયયન સંઘના રાજદૂતોની બેલ્જિયમના બ્રસેલ્સમાં ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફ્રાન્સ અને જર્મની સહિતના ઘણા દેશોએ ટ્રમ્પની ધમકીની નિંદા કરી. તેમણે જણાવ્યું હતું કે આ તો રીતસરનું બ્લેકમેઇલિંગ જ કહેવાય.

ફ્રાન્સે ટ્રમ્પની ટેરિફની ધમકીના જવાબમાં એવા પગલાં ઉઠાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અત્યાર સુધીમાં ક્યારેય અજમાવવામાં આવ્યા નથી. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ યુરોપીયન સંઘ અમેરિકા પર ૧૦૭ અબજ ડોલર (૯૩ અબજ યુરો)ના ટેરિફ લગાવવાનું અને અમેરિકન કંપનીઓને યુરોપીયન બજારમાંથી બહાર કરવાનું વિચારી રહ્યું છે.
આ સપ્તાહે દાવોસમાં મળનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ટ્રમ્પ પર દબાવ બનાવવા કયા પ્રકારના પગલાં લેવા તેનો વિચાર કરવામાં આવશે. યુરોપીયન સંઘના રાજદૂતે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફના જવાબમાં આ ટેરિફ છ ફેબ્રુઆરીથી લાગુ પડી જશે. આ મુદ્દે ૨૨ જાન્યુઆરીના રોજ શિખર સંમેલન બોલાવવા વિચાર કરી શકાય છે. જો કે બીજા રાજદૂતનું કહેવું છે કે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા સામે પગલાં લેવાનો અમારો ઇરાદો નથી. અમે કૂટનીતિક રસ્તો શોધી રહ્યા છીએ. ટ્રમ્પ જો પહેલી ફેબ્રુઆરીથી ટેરિફ અમલમાં લાગુ કરી દે તો તેના ટેરિફ લાદવાને લઈને સામાન્ય સંમતિ બની છે.
બીજી બાજુએ ટ્રમ્પે ફરીથી ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાની ધમકી આપી છે. હવે તેમણે ગ્રીનલેન્ડ પર રશિયન ભયને દૂર કરવાનો સંકલ્પ લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે ડેન્માર્ક ઘણા સમયથી રશિયન ભયને ગ્રીનલેન્ડથી દૂર કરવા પ્રયત્નશીલ છે. હવે સમય આવી ગયો છે કે ા પ્રયત્નોને સફળ બનાવવામાં આવે. નાટોમાં ડેન્માર્ક છેલ્લા ૨૦ વર્ષથી કહી રહ્યુ છે કે તેણે રશિયન ભયને દૂર કરવો પડશે. કમનસીબે ડેન્માર્ક કશું કરી શક્યું નથી. ચીને અમેરિકા વારંવાર ચીનનો ભય યુરોપીયન દેશોને બતાવી રહ્યુ છે તેનો વિરોધ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકા તેના હિતોને આગળ ધપાવવા માટે ચીનને આગળ ધરે છે. આંતરરાષ્ટ્રીય કાયદો નિયમ મુજબનો અને યુએન ચાર્ટરના સિદ્ધાંત મુજબનો છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો તે આધાર છે અને તે જળવાવવો જોઈએ.

