ચીન સાથે વધતી જતી તંગદિલી અને સંભવિત સૈન્ય આક્રમણની દ્રષ્ટિએ તાઈવાન પોતાની રાષ્ટ્રીય સલામતી માટે ઘણું જ સતર્ક થઇ ગયું છે. તે કાર્યવાહીના ભાગ તરીકે તાઈવાનની જાસૂસી સંસ્થાએ એક અગ્રીમ ટીવી રીપોર્ટરને ચીન માટે જાસૂસી કરવાના આરોપસર અટકાયતમાં લીધો છે. તેની ઉપર આરોપ છે કે તેણે સેનાના વર્તમાન અધિકારીઓને લાંચ આપી સંવેદનશીલ માહિતી તળભૂમિ ચીન સ્થિત અધિકારીઓને પહોંચાડી હતી. આ ધરપકડ તેવા સમયે થઇ રહી છે કે જ્યારે સ્વતંત્ર દ્વિપ તાઈવાન ચીનની સંભવિત સેનાકીય ઘૂસપેઠ અને જાસૂસી સામે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવાના કામમાં લાગી પડયું છે.તાઈવાનના ચીયા ઓટો (કીયા ઓટો) જિલ્લા અભિયોજન કાર્યાલયે શનિવારે (૧૭ જાન્યુ. દિને) નિવેદન પ્રસિદ્ધ કરીને જણાવ્યું હતું કે જિલ્લા અદાલતે ઉપનામ ‘લિત’ ધરાવતા એક ટીવી રીપોર્ટસ અને સેનાના પાંચ વર્તમાન તથા નિવૃત્ત અધિકારીઓને અટકાયતમાં લેવાનો આદેશ આપ્યો છે.

ફરિયાદ પક્ષે (સરકારે) રીપોર્ટરનું સંપૂર્ણ નામ જાહેર કર્યું નથી. પરંતુ સીટીઆઈ જણાવ્યું હતું કે તે રીપોર્ટરનું નામ લિન ચેન યૂ છે.
સરકારી વકીલે તેમ પણ કોર્ટમાં જણાવ્યું હતું કે લીને ચીનથી મળેલા પૈસામાંથી તેણે સેના અધિકારીઓને હજ્જારો તાઈવાનીઝ ડોલર (તાઈવાનીઝ ડોલર કેટલાક સો અમેરિકી ડોલર બરાબર છે)ની લાંચ આપી બદલામાં તેમણે તે ચીની અધિકારીઓને સૈન્ય સંબંધી ગુપ્ત માહિતી પહોંચાડી હતી. શુક્રવારે તે રીપોર્ટર તથા નવ વર્તમાન તથા નિવૃત્ત અધિકારીઓનાં ઘરે દરોડા પાડયા હતા અને તેમની ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન ભ્રષ્ટાચાર તથા ગુપ્ત બાબતો સંલગ્ન કાનૂની ઉલ્લંઘનના આરોપો મૂકી આગળ તપાસ ચાલી રહી છે.

