અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને કારણે પડકારોનો સામનો કરી રહેલા દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે એમ કેટલાક બેન્કરો માની રહ્યા છે.

નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં અપાયેલા ચાર મહિનાના મોરેટોરિઅમને કારણે નિકાસકારો તેમના વિદેશ વેપાર મારફતની ડોલરના સ્વરૂપની આવકને સ્વદેશ લાવવામાં ઢીલ કરશે જેને કારણે ડોલરનો પૂરવઠો ખોરવાઈ જવાની શકયતા નકારાતી નથી એમ એક બેન્કરે જણાવ્યું હતું.
શુક્રવારે જાહેર કરેલા કેટલાક નિર્ણયોમાં એક નિકાસ મારફત થયેલી આવકને સ્વદેશ લાવવાનો સમયગાળો ૯ મહિનાથી વધારી ૧૫ મહિના કરાયો છે. સમયગાળો વધારવામાં આવતા ડોલરની આવક ઢીલમાં પડશે. નિકાસકારો તેમના ખરીદદારો પાસેથી પેમેન્ટસ મેળવવામાં ઉતાવળ નહીં કરે એમ એક બેન્કરે જણાવ્યું હતું. નિકાસકારો આમપણ હેજિંગ કરવામાં સાવચેતી ધરાવી રહ્યા છે ત્યારે ડોલર સ્વદેશ લાવીને તેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં તેઓ વધુ સમય લઈ લેશ.
ડોલરનો પૂરવઠો ખોરવાશે તો રૂપિયા સામે તેની કિંમત વધુ નબળો પડી શકે છે, જેનો લાભ છેવટે નિકાસકારોને જ થશે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. વર્તમાન વર્ષમાં અન્ય કરન્સીસની સરખામણીએ ડોલર સામે રૂપિયાની કામગીરી નબળી રહી છે. ડોલર સામે રૂપિયો વર્તમાન વર્ષમાં ૩.૫૦ ટકા જેટલો ઘટયો છે.
ટેરિફના દબાણને કારણે નિકાસકારો સામે ઊભા થયેલા પડકારને ધ્યાનમાં રાખી તેમને નાણાંનો પ્રવાહ જળવાઈ રહે તે હેતુ સાથે રિઝર્વ બેન્કના રાહતના પગલાં આવી પડયા છે.

