નેપાળમાં હિમપ્રપાતની બે અલગ અલગ ઘટનાઓમાં નેપાળનાં બે ગાઇડ સહિત કુલ ૯ પર્વતારોેહકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જ્ઞાાનકુમાર મહાતોએ જણાવ્યું છે કે હિમાલયની ટોચ પર ચડતી વખતે ગૌરીશંકર રૃરલ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ૬૯૨૦ મીટરની ઉંચાઇએ આવેલા માઉન્ટ યાલુંગ રી પાસે થયેલા હિમપ્રપાતને કારણે સાત પર્વતારોહકો દટાઇ ગયા હતાં.
આ સાત પર્વતારોહકોનાં મૃતદેહો બહાર કાઢવા માટે સંયુક્ત બચાવ અભિયાન શરૃ કરી દેવામાં આવ્યું છે. મૃત્યુ પામેલા પર્વતારોહકોમાં નેપાળનાં બે, ઇટાલીનાં બે, કેનેડાનાં એક, ફાન્સનાં એક અને જર્મનીનાં એક નાગરિકનો સમાવેશ થાય છે.
નેપાળનાં ત્રણ અને ફ્રાન્સનાં બે સહિત અન્ય પાંચ પર્વતારોહકો ઘાયલ થયા છે અને તેમને હવાઇમાર્ગે કાઠમાંડુની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. આ ઘટનામાં અન્ય ચાર પર્વતારોહકોને સામાન્ય ઇજા થઇ હતી.
અન્ય એક ઘટનામાં ૨૮ ઓક્ટોબરથી લાપતા થયેલા ઇટાલીનાં બે પર્વતારોહકોનાં મૃતદેહો મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ૫૨૪૨ મીટરની ઉંચાઇએથી તેમના મૃતદેહ મળી આવ્યા છે.
નેપાળ ટુરિઝમ બોર્ડે નેપાળમાં હિમાલયની ટોચ પર જતી વખતે મૃત્યુ પામેલા પર્વતારોહકો અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.

