WORLD : પહેલા જાણ ન કરી, પછી એકલા છોડી દીધા’, યુદ્ધ વચ્ચે મિત્ર દેશો જ અમેરિકાથી નારાજ!

0
13
meetarticle

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હવે ખાડી દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાચાર એજન્સી એપીના અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયા, કુવૈત અને બેહરીન જેવા અમેરિકાના સાથી દેશો ટ્રમ્પ પ્રશાસનથી અત્યંત નિરાશ છે. તેમનો આરોપ છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કરતાં પહેલા તેમને અંધારામાં રાખ્યા હતા, જેના પરિણામે ઈરાનના વળતા હુમલાનો સામનો કરવા માટે તેમને પૂરતો સમય મળ્યો નથી. ખાડી દેશોના અધિકારીઓનું કહેવું છે કે આ જંગના કારણે સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા સર્જાઈ છે.

અમેરિકાએ માત્ર પોતાનો બચાવ કર્યો, સાથી દેશોને રામભરોસે છોડ્યા

ખાડી દેશોના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, અમેરિકાનું ધ્યાન માત્ર પોતાના સૈનિકો અને ઈઝરાયલને બચાવવા પર જ કેન્દ્રિત રહ્યું છે. આ દેશોની ફરિયાદ છે કે ઈરાન તરફથી સતત થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલા સામે તેમનું રક્ષણ કરવા માટે અમેરિકાએ પૂરતા પગલાં લીધા નથી. હાલમાં આ દેશો પાસે મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટરનો સ્ટોક પણ ઝડપથી ઘટી રહ્યો છે. સાઉદી અરબના પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ પ્રિન્સ તુર્કી અલ-ફૈસલે તો ત્યાં સુધી કહ્યું કે, આ સંપૂર્ણપણે નેતન્યાહૂનું યુદ્ધ છે, જેમાં તેમણે ટ્રમ્પને બિનજરૂરી રીતે ખેંચ્યા છે.

ઈરાની હુમલામાં અમેરિકન સૈનિકો સહિત અનેકના મોત

શનિવારથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઈરાને અત્યાર સુધીમાં ખાડીના 5 દેશો પર અંદાજે 380 મિસાઇલ અને 1,480થી વધુ ડ્રોન છોડ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત થયા હોવાનું મનાય છે. રવિવારે કુવૈતમાં એક સિવિલિયન પોર્ટ પર થયેલા ઈરાની ડ્રોન હુમલામાં 6 અમેરિકન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. પેન્ટાગોનના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ઈરાનના ડ્રોન હુમલા રોકવા મુશ્કેલ બની રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ, ઓઇલ ફેસિલિટીઝ અને પ્રવાસન સ્થળો સતત જોખમમાં છે.વ્હાઇટ હાઉસનો બચાવ અને આર્થિક ચિંતા

બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા એના કેલીએ દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનના 90% હુમલા નિષ્ફળ બનાવ્યા છે. તેમણે કહ્યું કે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દ્વારા ઈરાનની હુમલો કરવાની ક્ષમતા ખતમ કરવામાં આવી રહી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જો આ યુદ્ધ લાંબું ચાલશે તો વૈશ્વિક ઓઇલ માર્કેટ પર તેની માઠી અસર પડશે. ખાડી દેશોને ડર છે કે આ યુદ્ધના કારણે થનારું આર્થિક નુકસાન અને અસ્થિરતાનો સૌથી મોટો ભોગ તેમને જ બનવું પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here