WORLD : પહેલા 300 અને હવે 20 જ ડ્રોન એટેક કેમ? ખામેનેઈએ રણનીતિ બદલી અમેરિકા-ઈઝરાયલને ચોંકાવ્યા

0
14
meetarticle

અમેરિકા અને ઈઝરાયલ સામેની જંગમાં ઈરાને હવે આક્રમક વલણ અપનાવ્યું છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં ઈરાને પાડોશી દેશ યુએઈ (UAE) પર ખાસ કરીને દુબઈની ગગનચુંબી ઈમારતો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને 1800 જેટલા ડ્રોન અને મિસોઈલ છોડ્યા છે. જોકે, આંકડાકીય વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે આ માત્ર સૈન્ય હુમલો નથી, પરંતુ યુએઈને આર્થિક રીતે પાયમાલ કરવાનું એક ‘રણનીતિક અભિયાન’ છે.

પ્રથમ તબક્કો આક્રમક શરૂઆત અને સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ

જંગના પહેલા જ દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ ઈરાને સેંકડો ડ્રોન અને બેલેસ્ટિક મિસોઈલ છોડીને યુએઈને ચોંકાવી દીધું હતું. બીજા દિવસે હુમલાની તીવ્રતા ઓર વધી. આ હુમલાનો મુખ્ય હેતુ યુએઈની એર ડિફેન્સ સિસ્ટમને ‘જગાડવાનો’ અને તેની ક્ષમતા માપવાનો હતો. જ્યારે અનેક હથિયારો એકસાથે આવે છે, ત્યારે રડાર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને ઈન્ટરસેપ્ટર મિસોઈલ કેટલી ઝડપે છૂટે છે, તે ઈરાને નોંધી લીધું.

બીજો તબક્કો સસ્તા ડ્રોન વિરુદ્ધ મોંઘી મિસોઈલ, આર્થિક યુદ્ધ

2 માર્ચથી 8 માર્ચ દરમિયાન ઈરાને પોતાની રણનીતિ બદલી. તેણે મોંઘી બેલેસ્ટિક મિસોઈલને બદલે સસ્તા ડ્રોનનો ઉપયોગ વધાર્યો. અહીં જ ઈરાનનો અસલી ખેલ શરૂ થયો.ઈરાનનો એક ડ્રોન માત્ર થોડા હજાર ડોલરમાં બને છે. આ સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે યુએઈ જે ઈન્ટરસેપ્ટર મિસોઈલ વાપરે છે તેની કિંમત લાખો કે કરોડો ડોલરમાં હોય છે. આમ, ઈરાન ઓછા ખર્ચે યુએઈના ખજાનામાં મોટું ગાબડું પાડી રહ્યું છે. આ આધુનિક યુદ્ધની નવી પદ્ધતિ છે, જ્યાં દુશ્મનને હરાવવા માટે તેને આર્થિક રીતે થકવી દેવામાં આવે છે.

ત્રીજો તબક્કો હુમલાની ગતિ ધીમી પાડીને વેઈટ એન્ડ વોચ

9 માર્ચ પછી અચાનક હુમલાની સંખ્યા ઘટીને રોજની 10 થી 20 પર આવી ગઈ છે. નિષ્ણાતો માને છે કે આ ઈરાનનો રણનીતિક નિર્ણય હોઈ શકે છે. તે લાંબા ગાળાના યુદ્ધ માટે પોતાના સંસાધનો બચાવી રહ્યું છે અને રોજ થોડા હુમલા કરીને દુશ્મન સેનાને સતત સતર્ક રાખીને થકવી રહ્યું છે.

પર્યટન અને વેપાર પર સીધી અસર

ભલે યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગના હુમલા રોક્યા હોય, પરંતુ તેની અસર દુબઈ જેવા વ્યસ્ત એરપોર્ટ પર જોવા મળી છે. ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને એરસ્પેસ પર પ્રતિબંધો લાદવા પડ્યા છે. પર્યટન અને આંતરરાષ્ટ્રીય વેપાર પર નિર્ભર યુએઈ માટે આ એક ગંભીર પડકાર છે.

આ યુદ્ધમાંથી શું શીખવા મળ્યું?

ઈઝરાયલ અને અમેરિકાના અત્યાધુનિક સંરક્ષણ કવચ હોવા છતાં, સસ્તા અને વધુ સંખ્યામાં ડ્રોન એક નવી આફત બનીને ઉભર્યા છે. આ યુદ્ધ હવે માત્ર તાકાતનું નથી રહ્યું, પરંતુ સંસાધનોના કુશળ ઉપયોગ અને દુશ્મનને આર્થિક રીતે તોડવાનું માધ્યમ બની ગયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here