અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વરૂપમાં અમેરિકાને જ નહીં વિશ્વને નવા સરમુખત્યાર મળી ગયા લાગે છે. આપખુદ વલણ માટે પંકાવા લાગેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસની પણ મંજૂરી વગર જે રીતે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોનું અપહરણ કરીને ધરપકડ કરી તે આખા વિશ્વ માટે આંચકાજનક છે. ફક્ત આટલું જ નહીં તેમણે દક્ષિણ અમેરિકાના બીજા દેશ કોલંબિયા અને ક્યુબાને પણ ધમકી આપી છે. તેની સાથે ગ્રીનલેન્ડ નામના સ્વાયત્ત દેશને પોતાનો હિસ્સો ગમે ત્યારે બનાવી દઈશું તેવા બણગા ફૂંકવા માંડયા છે. આ પહેલા પણ તે કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવું જોઈએ તેમ કહી ચૂક્યા છે. હવે જો નિકાલોસ માદુરો જેવા દેશને તે આ રીતે ઉઠાવી શકતા હોય તેની સામે તો કેનેડા અને ગ્રીનલેન્ડ જેવા દેશ પાસે તો પોતાનું લશ્કર સુદ્ધા નથી. તે કશુ કરી શકવાના પમ નથી. ટ્રમ્પને તો જાણે આ બંને દેશ આકડે મધ દેખાતુ હોય તે વાત લાગે છે.: અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું ક પીએમ મોદી જાણે છે કે હું રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને લઈને તેમનાથી ખુશ નથી અને તેથી આગામી દિવસોમાં વોશિંગ્ટન ભારત પર ટેરિફ વધારી શકે છે. ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસી તરફ જતા એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત મને ખુશ કરવા માંગે છે, નરેન્દ્ર મોદી ખૂબ જ સારા માણસ છે.

તેઓ રશિયા સાથે આ જ રીતે ટ્રેડ કરતાં રહ્યા તો અમે તેમના પર નજીકના ભવિષ્યમાં ઝડપથી ટેરિફ વધારીશું તે નિશ્ચિત છે. તેમના માટે આ અત્યંત ખરાબ બાબત હશે, એમ ટ્રમ્પે જણાવ્યું હતું. તેમની આ ટિપ્પણી અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામની તે વાત સાથે મેળ ખાય છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે ભારત આજે રશિયા પાસેથી ઓછું ઓઇલ ખરીદે છે. યાદ રહે કે ટ્રમ્પનું આ નિવેદન પીએમ મોદી અને તેમના વચ્ચે થોડા સમય પહેલાં થયેલી ટેલિફોનિક વાતચીતના કેટલાક અઠવાડિયા પછી આવ્યું છે.
ગ્રેહામે જણાવ્યું હતું કે ટેરિફ બિલમાં તો રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ નાખવાની વાત છે. ગ્રેહામે જણાવ્યું હતું કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ જ ભારતે પર અમેરિકાએ વધુ ૨૫ ટકા ટેરિફ નાખ્યો છે. ગ્રેહામે જણાવ્યું હતું કે મહિના પહેલાં હું ભારતીય રાજદૂતને ત્યાં હતો અને તેઓ મને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે અમે રશિયા પાસેથી ઓઇલની ખરીદીમાં ઘટાડો કર્યો, તમારા પ્રેસિડેન્ટને કહો ટેરિફ દૂર કરે. લિન્ડસે ગ્રેહામના દાવાને લઈને ભારત તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.
ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે અને તે વિશ્વમાં સૌથી વધારે છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતે અમેરિકામાંથી ક્રૂડ ઓઇલની આયાત બમણી કરી હોવા છતાં પણ અમેરિકા તેનાથી ખુશ થયું નથી. અમેરિકાનું કહેવું સ્પષ્ટ છે કે જો તે રશિયન ઓઇલના મુદ્દે અમારી મદદ કરતાં નથી તો તે ભારત પર ટેરિફ વધારી શકે છે.
ભારત તેની જરુરિયાતના ૮૯ ટકા જેટલા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ભારતે કેલેન્ડર વર્ષમાં સંભવત: ૧૫૦ અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હોવાનું માનવામાં આવે છે. રશિયાનું યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું તે પહેલા ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત માંડ ૦.૨ ટકા હતી, પરંતુ યુદ્ધ શરુ થયા પછી રશિયાએ ભારતને જબરદસ્ત ડિસ્કાઉન્ટે ઓઇલ ઓફર કરતાં આ આયાતનો હિસ્સો ભારતની કુલ આયાતમાં વધીને એક સમયે ૪૦ ટકાએ પહોંચી ગયો હતો. હાલમાં આ હિસ્સો ૩૩ ટકા છે, જે બતાવે છે કે ભારત તબક્કાવાર ધોરણે આયાત ઘટાડી રહ્યું છે. ભારતે ડિસેમ્બરમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું દૈનિક ધોરણે ૧.૭૭ મિલિયન બેરલથી ઘટાડીને ૧.૨ મિલિયન બેરલ કરી છે.
ટ્રમ્પ અને તેનું તંત્ર ૨૦૨૫ના આખા વર્ષ દરમિયાન ભારત પર રશિયન ઓઇલની ખરીદીમાં ઘટાડો કરવાનું સતત દબાણ કરતું રહ્યું છે. ટ્રમ્પના વલણની અસર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર પડી છે. તેના કારણે બંને દેશ વચ્ચેનું ટ્રેડ ડીલ અટકી ગયું છે. આ સંજોગોમાં ટ્રમ્પની ટિપ્પણી બંને દેશ વચ્ચેના સંબંધોમાં નવો તનાવ પેદા કરી શકે છે. ટ્રમ્પે ગયા વર્ષે જાન્યુઆરીમાં જ હોદ્દો સંભાળ્યો ત્યારે ઝડપથી યુક્રેન યુદ્ધ રોકવાની વાત કહી હતી, પરંતુ તેમની વાતને આજે વર્ષ થયું હોવા છતાં પણ તેઓ આમ કરી શક્યા નથી. તેના કારણે તે ગિન્નાયા છે અને તેનો ગુસ્સો ચીન અને ભારત જેવા દેશો પર કાઢી રહ્યા છે. ટ્રમ્પ અગાઉ પણ ભારત પર ટેરિફ લગાવીને તેને ઝુકાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે, પરંતુ ભારતે સ્પષ્ટ જણાવ્યું છે કે તે પોતાના આર્થિક ફાયદા મુજબ જ ઓઇલની ખરીદી કરશે.

