WORLD : બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા

0
62
meetarticle

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યૂનલ (આઇસીટી)એ સોમવારે ફાંસીની સજા ફટકારી છે. જેને પગલે બળવા બાદ ભારત આવેલા શેખ હસીનાની મુશ્કેલી વધી શકે છે. આ ઉપરાંત તેના પ્રત્યાર્પણ માટે ભારત પર બાંગ્લાદેશ દ્વારા દબાણ કરવામાં આવી શકે છે. શેખ હસીના ઉપરાંત તેમના ખાસ ગણાતા પૂર્વ પોલીસ અધિકારી આઇજીપી ચૌધરી અબ્દુલ્લાહ અલ-મામુનને પાંચ વર્ષની સજા આપવામાં આવી છે. જુલાઇ મહિનામાં જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર સામે બળવો થયો ત્યારે માનવતા વિરુદ્ધ ગુના બદલ આ સજા આપવામાં આવી હતી.

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ બળવા બાદ દેશ છોડીને ભારતમાં શરણ લીધી ત્યારથી તેઓ અહીંયા જ છે. તેમની ગેરહાજરીમાં જ બાંગ્લાદેશની કોર્ટે તેમની સામે ટ્રાયલ શરૂ કરી દીધી અને સીધી ફાંસીની સજા ફટકારી દીધી. આ પહેલા કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશની કોર્ટે માનવતા વિરુદ્ધ અપરાધ માટે પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલને ફાંસીની સજા ફટકારી હતી. સજાની સુનાવણી દરમિયાન બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં હિંસા ફાટી નીકળી છે. જેને પગલે ફરી બાંગ્લાદેશ ભડકે બળે તેવી ભીતિ છે. ઠેરઠેર સુરક્ષાદળો અને હસીનાના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેને પગલે મોહમ્મદ યુનુસ સરકાર એલર્ટ કરી દેવામાં આવી છે. 

શેખ હસીનાને સજા સંભળાવતી વખતે જજ ગુલામ મુર્તઝા મઝૂમદારે કહ્યું હતું કે શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે તેથી તેને આ સજા આપવામાં આવે છે. નોંધનીય છે કે શેખ હસીના સામે જુલાઇ ૨૦૨૪માં સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી જેની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. હિંસાખોરોએ શેખ હસીનાના ઘરને આગ લગાવી દીધી હતી, જ્યારે પ્રદર્શનકારીઓને રોકવા માટે શેખ હસીનાના નેતૃત્વમાં સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો, આ સમગ્ર હિંસામાં ૧૪૦૦ લોકો માર્યા ગયા હતા. શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ આ ગુનો કર્યો હોવાનું માનીને બાંગ્લાદેશની ક્રિમિનલ કોર્ટે તેમને ફાંસીની સજા આપી હતી. ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ બાંગ્લાદેશમાં નવી સરકાર માટે ચૂંટણી યોજાઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર તપાસકર્તાઓએ કહ્યું હતું કે હસીના અને તેમની સરકારે સત્તા જાળવી રાખવા માટે પ્રદર્શનકારીઓ પર કથીત રીતે ઘાતક બળપ્રયોગ કર્યો હતો. જેમાં બહુ જ મોટી જાનહાની થઇ હતી.

બાંગ્લાદેશના મીડિયાએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશની કોર્ટે જે ચુકાદો આપ્યો તેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે શેખ હસીનાએ ઢાકાના મેયર શેખ નઝલ નૂરને તે સમયે પ્રદર્શનકારીઓને જ્યાં દેખો ત્યાં ઠાર મારોના આદેશ આપ્યા હતા. કોર્ટે શેખ હસીના અને મેયર વચ્ચે ફોન પર આ મુદ્દે થયેલી વાતચીતને પુરાવા તરીકે સ્વીકારી હતી. ફાંસીની સજા ઉપરાંત શેખ હસીનાની સંપત્તિને જપ્ત કરવાનો પણ આદેશ અપાયો છે. હવે શેખ હસીનાની સામે ઇન્ટરપોલ નોટિસ જારી કરવામાં આવી શકે છે અને નિયમ મુજબ ભારતે તેનો જવાબ આપવો પડશે. શેખ હસીનાને પ્રત્યાર્પણ દ્વારા બાંગ્લાદેશ મોકલવા માટે પણ દબાણ થઇ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here