શેખ હસીનાના સત્તા પરથી હટ્યાના એક વર્ષમાં જ બાંગ્લાદેશનું રાજકીય અને સૈન્ય ચિત્ર ભયજનક રીતે બદલાઈ રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની આશંકા હવે સાચી ઠરી રહી છે, કારણ કે બાંગ્લાદેશની વચગાળાની મુહમ્મદ યુનુસ સરકારના જ એક વરિષ્ઠ સલાહકારે ખુલાસો કર્યો છે કે દેશમાં ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી આર્મી’ (IRA) બનાવવાનો પ્રથમ તબક્કો શરુ થઈ ગયો છે. આ ઘટનાને પાકિસ્તાનની ISI દ્વારા બાંગ્લાદેશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાના અને ભારત વિરુદ્ધ એક નવો મોરચો ખોલવાના ષડયંત્ર તરીકે જોવામાં આવી રહી છે.

શું છે ઇસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA)?
વચગાળાની સરકારના સલાહકાર આસિફ મહમૂદ શોજીબ ભુયાને 20 ઑક્ટોબરે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે દેશના વિવિધ કેન્દ્રોમાં 8850 યુવાનોની ભરતી કરીને તેમને તાલીમ આપવામાં આવી રહી છે. આ યુવાનોને માર્શલ આર્ટ, હથિયારો ચલાવવાની તાલીમ, તાઇકવૉન્ડો અને જૂડો શીખવવામાં આવશે. ભારતીય અધિકારીઓના મતે, આ IRA ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)ની તર્જ પર બનાવવામાં આવી રહેલી એક અત્યંત કટ્ટરપંથી સેના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાંગ્લાદેશની વર્તમાન સેનાનું સ્થાન લેવાનો અને દેશને એક કટ્ટર ઇસ્લામિક રાજ્યમાં ફેરવવાનો છે. આ સેનાનો ઉપયોગ ઈરાનની જેમ “મોરલ પોલીસિંગ” (નૈતિકતાના નામે દમન) માટે પણ કરવામાં આવશે.
પાકિસ્તાન અને જમાત-એ-ઇસ્લામીની ભૂમિકા
વિશ્લેષકોનું માનવું છે કે યુનુસ સરકાર માત્ર એક મહોરું છે અને પડદા પાછળનો આખો ખેલ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી રમી રહ્યા છે. પાકિસ્તાન 1971ની હારનો બદલો લેવા અને બાંગ્લાદેશને ફરીથી પોતાના પ્રભાવ હેઠળ લાવવા માંગે છે. IRAના તાલીમ કેમ્પમાં પાકિસ્તાન સમર્થક બાંગ્લાદેશી સેનાના નિવૃત્ત અધિકારીઓ તાલીમ આપી રહ્યા છે અને આ કેમ્પમાં પાકિસ્તાની સેના અને ISIના અધિકારીઓની અવરજવર સામાન્ય બની ગઈ છે. ફંડિંગ અને હથિયારો પણ પાકિસ્તાન દ્વારા જ પૂરા પાડવામાં આવી રહ્યા છે.
ભારત વિરુદ્ધ ખુલ્લી ધમકી
આ ષડયંત્રનો મોટો લક્ષ્યાંક ભારત છે. તાજેતરમાં જ જમાત-એ-ઇસ્લામીના નેતા ડૉ. સૈયદ અબ્દુલ્લા મુહમ્મદ તાહેરે ન્યુયોર્કમાં ધમકી આપતાં કહ્યું હતું કે, “જમાતના 50 લાખ યુવાનો ભારત સામે લડવા માટે તૈયાર છે.” તેણે એમ પણ કહ્યું કે જો ભારત બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે, તો જમાતના યુવાનો ગેરિલા યુદ્ધ કરશે અને બાકીના “ગજવા-એ-હિંદ” (ભારત પર વિજય) લાગુ કરવા માટે ભારતમાં ઘૂસી જશે.
બાંગ્લાદેશની સેનાને ખતમ કરવાનું ષડયંત્ર
યુનુસ સરકાર કોર્ટનો ઉપયોગ કરીને સેના અને ગુપ્તચર એજન્સી DGFIના એવા અધિકારીઓની ધરપકડ કરાવી રહી છે જેઓ શેખ હસીનાના નજીકના માનવામાં આવે છે. આનાથી બાંગ્લાદેશની સેનામાં ઊંડી તિરાડ પડી ગઈ છે. યોજના 160000થી વધુ યુવાનોને તાલીમ આપવાની છે, જે બાંગ્લાદેશ સેનાની વર્તમાન તાકાત બરાબર છે. સ્પષ્ટ છે કે ISI અને જમાતના ઇશારે બાંગ્લાદેશની રાષ્ટ્રીય સેનાને ભંગ કરીને તેની જગ્યાએ એક કટ્ટરપંથી, પાકિસ્તાન-નિયંત્રિત ખાનગી સેના ઊભી કરવાની યોજના છે, જે સમગ્ર દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતની સુરક્ષા માટે અત્યંત ગંભીર ખતરો છે.
