બાંગ્લાદેશમાં છેલ્લા દોઢ મહિનાથી હિન્દુઓની ખુલ્લેઆમ હત્યાઓ થઇ રહી છે, છેલ્લા 24કલાકમાં વધુ બે હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. જેમાં એક હિન્દુ યુવકને કારની નીચે કચડીને મારી નાખવામાં આવ્યો હતો, આ જઘન્ય હત્યાકાંડને બાંગ્લાદેશની કટ્ટરવાદી પાર્ટી બીએનપીના નેતા અને કોન્ટ્રાક્ટર અબુલ હાશીમે અંજામ આપ્યો હતો. જ્યારે એક હિન્દુ હોટેલ વ્યવસાયી લિટન ચંદ્ર ઘોષની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. છેલ્લા દોઢ મહિનાથી ખુલ્લેઆમ હિન્દુઓની હત્યાઓ થઇ રહી છે આ મુદ્દે બ્રિટન સહિતના અન્ય દેશના સાંસદો, નેતાઓ ખુલીને અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ ભારતમાં નેતાઓ મૌન જણાઇ રહ્યા છે.

બાંગ્લાદેશના રાજબાડીના ગોલાંદાના એક પેટ્રોલ પંપ પર 30 વર્ષીય હિન્દુ યુવક રિપન સાહા નોકરી કરી રહ્યો હતો, આ દરમિયાન જ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનો નેતા અબુલ હાશીમ અને તેનો ડ્રાઇવર કમલ હુસૈન પોતાની એસયુવી કાર લઇને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા. વાહનમાં ભારતીય રૂપિયા મુજબ રૂ. 3710નું પેટ્રોલ પુરાવી લીધુ પરંતુ રૂપિયા આપ્યા નહીં, જ્યારે પેટ્રોલ પુરનારા હિન્દુ યુવક રિપન સાહાએ રૂપિયા માગ્યા તો આ બન્ને દબંગોએ તેના પર કાર ચડાવી દીધી અને સ્થળેથી ભાગી ગયા, આ ઘટનામાં બાદમાં રિપન સાહાનું મોત નિપજ્યું હતું.
જ્યારે બાંગ્લાદેશના ગાઝીપુર જિલ્લાના કાલિગંજ વિસ્તારમાં એક હિન્દુ હોટેલ વ્યવસાયી લિટન ચંદ્ર ઘોષ ઉર્ફ કાલીની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લિટન ઘોષ હોટેલનો બિઝનેસ કરતા હતા, તેમની બોયીશાખી સ્વીટ એન્ડ હોટેલ નામની હોટેલ પણ હતી. હોટેલમાં કામ કરનારા એક હિન્દુ કર્મચારી અનંત દાસ સાથે ગ્રાહકોનો ઝઘડો થયો હતો, જેને પગલે બાદમાં આ ગ્રાહકોએ આ હોટેલના હિન્દુ માલિકની હત્યા કરી નાખી હતી. હિન્દુઓની ખુલ્લેઆમ હત્યાઓ થઇ રહી છે, બાંગ્લાદેશમાં ફેબુ્રઆરીમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે એવામાં હિન્દુઓ પર અત્યાચાર હજુ પણ વધશે.
ેબાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠયો હતો, બ્રિટનની સંસદમાં વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને આ મુદ્દો ઉઠાવ્યો હતો, સૌથી વરીષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતા બોબે કહ્યું હતું કે જાહેરમાં રસ્તાઓ પર હિન્દુઓની હત્યાઓ થઇ રહી છે, તેમના ઘર બાળી નાખવામાં આવી રહ્યા છે, મંદિરો સળગાવાઇ રહ્યા છે, બાંગ્લાદેશના અન્ય લઘુમતીઓ પણ આ જ પ્રકારના અત્યાચારોનો સામનો કરી રહ્યા છે. ફેબુ્રઆરીમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે એવા સમયે આ કત્લેઆમ થઇ રહી છે જેને બ્રિટનની વર્તમાન સરકારે અટકાવવા માટે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર પર દબાણ વધારવું જોઇએ. બ્રિટન સરકારે પણ સાંસદ બોબને ખાતરી આપી હતી કે સરકાર આ મુદ્દો બાંગ્લાદેશની સરકાર સાથે ઉઠાવશે. આ પહેલા અમેરિકા, કેનેડાના સાંસદો પણ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાનો મુદ્દો ઉઠાવી ચુક્યા છે. રશિયન એમ્બેસીએ પણ આ હત્યાકાંડ રોકવા અપીલ કરી છે. હિન્દુઓની ખુલ્લેઆમ હત્યાઓ મુદ્દે હાલ ભારતમાં નેતાઓમાં ભેદી મૌન જોવા મળી રહ્યો છે જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે અને લોકોમાં આ અંગે રોષ પણ જોવા મળી રહ્યો છે.

