WORLD : બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મતદાન પૂરું, બીએનપીના રહેમાનનું પલ્લુ ભારે

0
12
meetarticle

બાંગ્લાદેશમાં હિંસા અને વધુ એક હિન્દુ યુવાનની હત્યા વચ્ચે ૨૯૯ બેઠકો પર ૧૩મી સંસદીય ચૂંટણી માટેનું મતદાન ગુરુવારે પૂરું થયું હતું. આ સાથે જ મતગણતરી પણ શરૂ થઈ છે. પ્રારંભિક મતગણતરીમાં બીએનપીના તારીક રહેમાનનું પલ્લુ ભારે છે. ચૂંટણી પંચ મુજબ અંતિમ પરિણામ શુક્રવારે સવાર સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે. બાંગ્લાદેશમાં નવી ચૂંટાનારી સરકાર ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીના સરકારના પતન પછી શાસન કરનારા વચગાળાના વહીવટી તંત્રનું સ્થાન લેશે. અવામી લીગની ગેરહાજરીમાં બીએનપી અને જમાત વચ્ચે ચૂંટણી રસાકસી ભરી બની રહી હતી. આ ચૂંટણી સાથે ૮૪ સૂત્રીય સુધારા પેકેજ ‘જુલાઈ નેશનલ ચાર્ટર’ પર જનમત સંગ્રહ કરાવાયો છે.

બાંગ્લાદેશમાં ગુરુવારે ૧૩મી સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થતા પહેલાં વધુ એક હિન્દુની હત્યા કરાઈ હતી. ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશમાં મૌલવી બજાર વિસ્તારમાંથી ચાના બગીચાના કામદાર ૨૮ વર્ષના રતન શુવો કરનો લોહી નીતરતો મૃતદેહ મળી આવ્યો હતો. રતન શુવોના હાથ અને પગ દોરડાથી બાંધી દેવાયા હતા. હિન્દુઓને મતદાનથી દૂર રાખવા માટે રતનની હત્યા થઈ હોવાની આશંકા સ્થાનિક મીડિયામાં વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તે અંગેના કોઈ પુરાવા મળ્યા નથી.

દરમિયાન બાંગ્લાદેશમાં ગુરુવારે ૧૩મી સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. દેશમાં કેટલીક જગ્યાએ હિંસાના અહેવાલો આવ્યા છે. કેટલાક મતદાન કેન્દ્રો પર બોમ્બ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ છે. એક મતદાન કેન્દ્ર બહાર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના ૫૫ વર્ષના નેતા મોહિબુજ્જમાન કોચ્ચીની જમાતના કાર્યકરોએ મારપીટ કરીને હત્યા કરી હોવાનો દાવો કરાયો છે.બાંગ્લાદેશમાં સાંજ ૪.૩૦ કલાકે મતદાન પૂરું થઈ ગયું હતું. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના અવામી લીગના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકાયેલો હોવાથી બીએનપી અને ઈસ્લામિક કટ્ટરવાદી પક્ષ જમાત-એ-ઈસ્લામી વચ્ચે તિવ્ર સ્પર્ધા છે. ચૂંટણી પંચે બપોરે ૨.૦૦ કલાકે દાવો કર્યો હતો કે ૪૮ ટકા મતદાન થયું હતું. ચૂંટણીની સાથે વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારના ૮૪ સુત્રીય સુધારા પેકેજ પર જનમત સંગ્રહ પણ થયો હતો. આ ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના ૬૦ વર્ષના પુત્ર તારિક રહમાન, જે ૧૭ વર્ષ પછી પોતાના દેશ પાછા ફર્યા છે તેમના વિજયની વધુ સંભાવના છે. સૂત્રો મુજબ બાંગ્લાદેશમાં ૨૯૯ બેઠકોમાંથી કેટલીક બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે, જેમાં ૫૦ બેઠકો પર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નો વિજય થયો છે અને જમાત-એ-ઈસ્લામીએ ૧૮ બેઠક જીતી છે. જોકે, આ ચૂંટણીમાં અવામી લીગની ગેરહાજરી હોવાથી જમાત પરાજય પછી પણ સંસદમાં મુખ્ય વિપક્ષ બને તેવી શક્યતા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here