WORLD : બે દેશો છાનામાના યુક્રેનને પરમાણુ હથિયાર આપવાની તૈયારીમાં, રશિયાનો વિસ્ફોટક દાવો

0
13
meetarticle

રશિયાની ઇન્ટેલિજન્સ એજન્સીએ મંગળવારે વિસ્ફોટક દાવો કર્યો હતો કે યુકે અને ફ્રાન્સ યુક્રેનને પરમાણુ શસ્ત્રો ગુપ્ત રાહે ટ્રાન્સફર કરવાની કવાયત આદરી છે. રશિયા-યુક્રેનના યુદ્ધને ચાર વર્ષ પૂરા થયા છે ત્યારે રશિયન ફોરીન ઇન્ટેલિજન્સ  સર્વિસના રિપોર્ટમાં ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે. જો કે એજન્સીએ તેના દાવાના સમર્થનમાં કોઈપણ પ્રકારના પુરાવા આપ્યા નથી. 

રશિયન એજન્સીએ જણાવ્યું છે કે બ્રિટન અને ફ્રાન્સને ખબર છે કે જો તેઓ આવું કંઇપણ સીધી રીતે કરે તો સીધો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થાય છે. લગભગ બધી જ અણુઅપ્રસાર સંધિનો અંત આવી જાય છે. તેથી જ તેઓએ ગુપ્ત રાહે પ્રયત્નો આદર્યા છે. અહીં તેઓ એવું બતાવવાનો પ્રયત્ન કરશે કે યુક્રેને પોતે જ પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.આ અહેવાલનો પ્રતિસાદ પાડતા ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે યુદ્ધનો અંત લાવવાની મોસ્કોની શરતોમાં એક નોન-ન્યુક્લિયર યુક્રેન પણ છે. પેરિસ અને લંડન કીવને પરમાણુ શસ્ત્રોથી સજ્જ કરવા માંગે છે તે વાત અત્યંત મહત્ત્વની છે. રશિયાએ જણાવ્યું હતું કે મંત્રણાના આગામી તબક્કામાં અમે આ વાત ધ્યાન પર લઈશું. અમેરિકન મધ્યસ્થીવાળી બંને દેશ વચ્ચેની આગામી મંત્રણા ૨૭મી ફેબુ્રઆરીના રોજ જિનિવામાં યોજાશે. યુક્રેનમાં રશિયાના પૂર્ણસ્તરના આક્રમણને 1420 દિવસ પૂરા થતા આ ગાળો બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીને પરાજિત કરવા મોસ્કોએ લીધેલા સમયને પાર કરી ગયો છે, જે એક પ્રતીકાત્મક અને ગંભીર સીમાચિહ્ન છે. જો કે બર્લિનમાં સોવિયેત આગેકૂચથી વિપરીત હાલનું અભિયાન સ્થગિત થઈ ગયું છે. 2022ના પ્રારંભમાં કીવ પર કબજો જમાવવામાં નિષ્ફળ ગયા પછી રશિયન દળો પૂર્વ યુક્રેનમાં ફસડાઈ પડયા છે. આ યુદ્ધ ભારે માનવીય અને ભૌતિક નુકસાન સાથેના ભીષણ સંઘર્ષમાં પરિવર્તિત થઈ ગયું છે.

૨૦૧૪માં ક્રીમિયાને જોડી દીધા પછી યુક્રેનના લગભગ વીસ ટકા વિસ્તાર પર કબજો જમાવવા છતાં ફેબુ્રઆરી 2022 પછી રશિયાની આગેકૂચ ધીમી પડી છે. છેલ્લા બે વર્ષમાં તેના દળો ડોનેટ્સ્ક વિસ્તારમાં લગભગ માત્ર પચાસ કિલોમીટર જેટલા આગળ વધ્યા છે અને મુઠ્ઠીભર ગઢ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખુવારીના અનુમાન આંચકાજનક છે: સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝએ રશિયન નુકસાન બાર લાખ અને યુક્રેનિયન જાનહાનિ છ લાખ થઈ હોવાનું અનુમાન લગાડયું છે, જેના પરિણામે તે બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપનો સૌથી જીવલેણ સંઘર્ષ બની ચુક્યો છે.યુદ્ધના મેદાનની બહાર પણ બંને દેશોએ એક બીજાના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્યાંક બનાવ્યું છે. રશિયાએ પાવર નેટવર્ક તોડી પાડવાના આશયથી યુક્રેનની ઊર્જા ગ્રીડ પરના હુમલા વધુ તીવ્ર કર્યા છે જેના કારણે યુક્રેનમાં શિયાળા દરમ્યાન વ્યાપક બ્લેકઆઉટ સર્જાયો છે. બ્લેક સીમાં યુક્રેનની કાર્યવાહીને કારણે રશિયાને તેના કાફલાના કેટલાક હિસ્સા અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી છે, જે ક્રેમલીન માટે પ્રતીકાત્મક અને વ્યૂહાત્મક પીછેહઠ છે.

અમેરિકાની આગેવાની હેઠળના મધ્યસ્થી સહિતના રાજદ્વારી પ્રયાસો અસંગત માગણીઓ વચ્ચે અટવાયા છે. પ્રમુખ વ્લાદીમીર પુતિનનો આગ્રહ છે કે યુક્રેન વિવાદીત ક્ષેત્રોમાંથી પાછુ હટે અને નાટોમાં જોડાવવાની મહત્વાકાંક્ષા છોડી દે, જ્યારે પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ વર્તમાન સ્થિતિ અને સુરક્ષા ખાતરીની શરતે યુદ્ધવિરામની અપીલ કરી છે. પ્રતિબંધો રશિયાની અર્થવ્યવસ્થા પર દબાણ વધારી રહ્યા હોવા છતાં અને યુક્રેન સતત હુમલાઓ સહન કરી રહ્યું હોવા છતાં બંને દેશો પોતાની સ્થિતિથી પીછેહઠ કરવા તૈયાર નથી જણાતા. શાંતિ માટે વૈશ્વિક દબાણ વધી રહ્યું હોવા છતાં બંને દેશો તેમની મહત્તમ માગણીઓ પર મક્કમ હોવાથી યુદ્ધનો તાત્કાલિક અંત અસંભવ લાગી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here