બ્રાઝિલમાં શનિવારે સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી કે દેશના પરાના રાજ્યમાં આવેલા એક ભયાનક વાવાઝોડા (ટોર્નેડો) ને કારણે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને લગભગ 750 લોકો ઘાયલ થયા છે. આ વિનાશક વાવાઝોડાએ એક આખા શહેરનો મોટો ભાગ નષ્ટ કરી દીધો છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટોર્નેડો શુક્રવારે સાંજે પરાના રાજ્યના 14,000ની વસ્તી ધરાવતા શહેર ‘રિયો બોનિટો ડૂ ઇગુઆકુ’ પર ત્રાટક્યો હતો. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે તેણે કારોને રમકડાની જેમ ફંગોળી દીધી અને મોટી-મોટી ઇમારતોને જમીનદોસ્ત કરી દીધી.

આ ભયાનક તોફાન માત્ર થોડી મિનિટો સુધી જ ચાલ્યું, પરંતુ તેની સાથે કરાનો વરસાદ અને 250 કિલોમીટર પ્રતિ કલાક (155 માઇલ પ્રતિ કલાક)ની અત્યંત તીવ્ર ગતિથી પવન ફૂંકાયો હતો. હવાઈ તસવીરોમાં શહેરનો લગભગ સમગ્ર વિસ્તાર સંપૂર્ણપણે તબાહ થયેલો દેખાઈ રહ્યો છે, જ્યાં ચારેબાજુ તૂટેલી ઇમારતો અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે.પરાના રાજ્ય સરકારે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 750 લોકો ઘાયલ થયા છે. હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. નાગરિક સુરક્ષા અધિકારીઓના મતે, શહેરનો 90 ટકા હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે.
સોશિયલ મીડિયા પર આવેલી તસવીરોમાં ઘણા ઘરોની છત ઉખડી ગયેલી અથવા સંપૂર્ણપણે નાશ પામેલી જોઈ શકાય છે. બચાવ દળની ટીમો કાટમાળના ઢગલા નીચે જીવિત બચેલા લોકો અથવા મૃતદેહોની શોધખોળમાં લાગેલી છે. અસરગ્રસ્તો માટે નજીકના એક શહેરમાં આશ્રયસ્થાન પણ બનાવવામાં આવ્યું છે.

