પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે ખોરવાયેલા વૈશ્વિક ઓઇલ પુરવઠા વચ્ચે અમેરિકાએ ભારતને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે ભારત એક જવાબદાર ભાગીદાર હોવાને કારણે તેને આ રાહત આપવામાં આવી છે.

30 દિવસની વિશેષ છૂટ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાયમાં આવેલા અવરોધોને જોતા અમેરિકાએ ભારતને 30 દિવસ માટે રશિયન ઓઇલ ખરીદવાની છૂટ આપી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે આ નિર્ણય પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
શા માટે લેવાયો આ નિર્ણય?મીડિયા બ્રીફિંગ દરમિયાન લેવિટે જણાવ્યું કે ભારત હંમેશા એક જવાબદાર સહયોગી રાષ્ટ્ર રહ્યું છે. તેમણે કહ્યું, “પ્રમુખ, ટ્રેઝરી સેક્રેટરી અને નેશનલ સિક્યુરિટી ટીમે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે ભારત અમારું સારું સાથી રહ્યું છે અને તેમણે અગાઉ પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કર્યું હતું. હાલમાં ઈરાનને કારણે જે ઓઇલ સપ્લાયમાં અછત સર્જાઈ છે તેને પૂરી કરવા માટે અમે ભારતને કામચલાઉ ધોરણે આ મંજૂરી આપી છે.”
રશિયાને ફાયદો થવાની અટકળો નકારી
વ્હાઇટ હાઉસે તે અટકળોને નકારી દીધી છે જેમાં કહેવામાં આવતું હતું કે આનાથી રશિયાને આર્થિક રીતે મોટો ફાયદો થશે. લેવિટે સ્પષ્ટ કર્યું કે આ પગલું ટૂંકા ગાળા માટે (શોર્ટ ટર્મ) છે અને આ ઓઇલ પહેલેથી જ સમુદ્રમાં ટ્રાન્ઝિટમાં હતું. તેનાથી રશિયન સરકારને કોઈ ખાસ આર્થિક લાભ થવાની શક્યતા નથી.
યુદ્ધની અસર અને ભારતની વ્યૂહરચના
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન પર શરૂ થયેલા હુમલા બાદ જંગ હવે બીજા સપ્તાહમાં પહોંચી ગયો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધો ઉભા થતા કાચા ઓઇલના ભાવમાં ભડકો થયો છે. આવી સ્થિતિમાં ભારત માટે રશિયન ઓઇલની આ છૂટ દેશની એનર્જી સિક્યુરિટી માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.

