ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં કોઈ મહત્ત્વની સમજૂતી થવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકી અધિકારીઓ ભારત પહોચશે. ટેરિફ અંગે વાતચીત ચાલે છે પરંતુ તે ક્યાં સુધી પહોંચી તે જાણી શકાયુ નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ખેડૂતોના હિત અંગે કોઈ બાંધ-છોડ નહી કરે. બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે સતત ભારત સાથેના સારા સંબંધોની દુહાઈ આપી છે.

મંગળવારે ભારત અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે વ્યાપારી સંબંધોની વાતચીત ચાલે છે. ટ્રમ્પે ભારત ઉપર ૫૦ ટકા ટેરિફ લગાડયા છે. ભારતને ધમકીઓ પણ આપી છે.
અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ અમેરિકાના કેટલાય સાંસદો સાથે દ્વિપક્ષીય વ્યાપાર સંબંધો માટે ચર્ચા કરી હતી તેમણે ‘ઠ’ પોસ્ટ પર જણાવ્યું છે કે, તેમની પ્રતિનિધિ સભાના સભ્ય જેમ્સ મોયલાનને સાચી વાત કહેવાની તક મળી હતી. તેમણે કહ્યું હતું : તેલ ખરીદીનો પ્રશ્ન ભલે હોય પરંતુ હિન્દ- પેસિફિક ક્ષેત્રમાં આપણી ભાગીદારી પર વિચાર કરવો રહ્યો. તેમજ ઉર્જા સહયોગ પર પણ વિચાર કરવો જરૂરી છે.
આ સાથે યુક્રેન યુદ્ધનો ઉકેલ રાજદ્વારી રીતે ઉકેલવામાં ભારતના સંપૂર્ણ સહકારની પણ ક્વાત્રાએ ખાત્રી આપી હતી.
રશિયા પાસેથી ભારત તેલ ખરીદતું હોઈ ભારત- અમેરિકા વચ્ચે વધેલી તંગદિલીને લીધે તેમજ તે માટે ટ્રમ્પે ભારત ઉપર લાદેલા ૨૫% + ૨૫% દંડાત્મક ટેરિફ વિશે ક્વાત્રા, અમેરિકી સાંસદો સાથે સતત મંત્રણા કરી રહ્યા છે.
પીટીઆઇએ જણાવ્યું હતું કે, જે દેશો રશિયા પાસેથી તેલ ખરીદે તેની ઉપર વધારાનો ટેરીફ લગાડવા ટ્રમ્પે જી-૭ દેશોને પણ અનુરોધ કર્યો છે. તેમણે નાટો દેશોને તો ચીન પર ૫૦- ૧૦૦ ટકા ટેરિફ લગાડવા અનુરોધ કર્યો હતો તે સર્વવિદિત છે. ભારત અને ચીન રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદે છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકા અને યુરોપીય સંઘ પણ રશિયા સાથે વ્યાપાર કરે છે, પરંતુ ભારતને નિશાન બનાવાયું છે.

