અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર રશિયા પાસેથી ઓઈલની ખરીદીને લઈને ભારે ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. આ સાથે, તેમણે એવો દાવો પણ કર્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને રશિયા પાસેથી ઓઈલની ખરીદી બંધ કરવાનું આશ્વાસન આપ્યું છે. જોકે, ટ્રમ્પના આ દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે નકારી દીધો છે અને કહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે તાજેતરમાં કોઈ વાતચીત થઈ નથી.

ટ્રમ્પનો દાવો અને ધમકી
પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું, “તેમણે (પીએમ મોદી) મને કહ્યું છે કે તેઓ રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે પરંતુ જો તેઓ હવે આમ કરવાનું ચાલુ રાખશે તો તેમને બહુ ભારે ટેરિફ ચૂકવવો પડશે.” આ પહેલા બુધવારે પણ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા એ વાતથી ‘ખુશ નથી’ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે, કારણ કે તેનાથી રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડવામાં મદદ મળે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, “(મોદી) મારા મિત્ર છે, પરંતુ તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તેઓ રશિયાથી તેલ નહીં ખરીદે. આ એક મોટું પગલું છે.
“ભારતનો સ્પષ્ટ જવાબ ડોનાલ્ડ
ટ્રમ્પના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ગુરુવારે જણાવ્યું હતું કે, “મને બંને નેતાઓ વચ્ચે થયેલી કોઈ વાતચીતની જાણકારી નથી.” આ નિવેદનથી ટ્રમ્પના દાવા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જાયસવાલે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ભારત પોતાના ગ્રાહકોના હિતોની રક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં અને દેશની ઉર્જા સુરક્ષા માટે જરૂરી નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. આમ, ભારતે અમેરિકી દબાણ છતાં પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ પર અડગ રહેવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
