ભારત-રશિયાની વ્યૂહનીતિને લઈને અમેરિકાના પૂર્વ પેંટાગન અધિકારીએ પોતાના જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને નવી દિલ્હીમાં જે ઉષ્માભર્યું સન્માન મળ્યું, તેનો શ્રેય રશિયા નહીં પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાય છે. ટ્રમ્પ જ ભારત અને રશિયાને એકબીજાથી વધુ નિકટ લઈ ગયા અને તેના માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.

નોબેલ પુરસ્કારની કરી ભલામણ
રૂબિને કહ્યું કે, પુતિનની ભારત યાત્રામાં મૉસ્કોની દ્રષ્ટિએ ખૂબ જ સકારાત્મક રહી અને ભારત દ્વારા આપવામાં આવેલું સન્માન દુનિયામાં ક્યાં બીજે જોવા નથી મળ્યું. મારો તર્ક છે કે, ભારત અને રશિયાને જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની નજીક લાવ્યા, તે માટે તેઓ નોબેલ પુરસ્કારના હકદાર છે.
‘અમેરિકાએ ભારતને ભાષણ આપવાનું બંધ કરવું જોઈએ’
પુતિનના ભારતને સતત ઊર્જા પુરવઠાના વચન પર ટિપ્પણી કરતા રુબિને કહ્યું કે, અમેરિકા ભારતની ઊર્જા જરૂરિયાતો અને વ્યૂહાત્મક આવશ્યકતાઓને સમજવામાં સતત નિષ્ફળ રહ્યું છે. ભારતીયોએ નરેન્દ્ર મોદીને ભારતીય હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટ્યા છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ટૂંક સમયમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે અને તેને ઊર્જાની જરૂર છે, તેથી અમેરિકાએ ભારતને ભાષણ આપવાનું બંધ કરવું જોઈએ. જ્યારે વિકલ્પો મર્યાદિત હોય છે ત્યારે અમેરિકા પણ રશિયા પાસેથી ઊર્જા ખરીદે છે. જો અમેરિકા ઇચ્છતું નથી કે ભારત રશિયન ઇંધણ ખરીદે, તો તે ભારતને સસ્તું અને પૂરતું ઇંધણ પૂરું પાડવા માટે શું કરી રહ્યું છે? જો આપણી પાસે કોઈ વિકલ્પ નથી, તો ચૂપ રહેવું શ્રેષ્ઠ રહેશે, કારણ કે ભારતે તેની સુરક્ષા અને જરૂરિયાતોને પ્રથમ રાખવી પડશે.

