સરહદ પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાવી રહ્યો છે, ત્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સંગઠને પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીરને ધમકી આપી છે. ટીટીપીએ મુનીરને કહ્યું છે કે, જો તમે મર્દ હોવ તો અમારો સામનો કરો. ટીટીપીએ જાહેર કરેલા વીડિયોમાં કમાન્ડર બોલી રહ્યા છે કે, મુનીરે પોતાની સેનાને મરવા માટે મોકલવાના બદલે પોતાના ટોચના અધિકારીઓને મેદાનમાં મોકલવા જોઈએ.

ટીટીપી સંગઠનના કમાન્ડરની મુનીરને ધમકી
મીડિયા રિપોર્ટ મુજબ, ટીટીપીના આ વીડિયોમાં આઠ ઓક્ટોબરે ખૈબર પખ્તૂનખ્વામાં થયેલા હુમલાનો ફુટેજ પણ સામેલ છે. આ હુમલામાં ટીટીપીએ 12 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા, ત્યારબાદ બંને દેશો વચ્ચે ઘર્ષણ વધી ગયું હતું. પાકિસ્તાને મૃતક સૈનિકોની છુપાવીને 11ના મોત થયા હોવાની વાત સ્વિકારી હતી. વીડિયોમાં ટીટીપીનો જે કમાન્ડર દેખાઈ રહ્યો છે, તેનું નામ કાજિમ હોવાનું સામે આવ્યું છે, જે મુનીરને ધમકી આપતો દેખાઈ રહ્યો છે.
મુનીરને ધમકી આપનાર કાજિમ પર 10 કરોડનું ઈનામ
વીડિયોમાં કાજિમ કહે છે કે, ‘જો તુ મર્દ હોય તો અમારો સામનો કર. જો તે તારી માનું દૂધ પીધું હોય તો અમારી સાથે લડાઈ કર.’ આ મામલો સામને આવ્યા બાદ પાકિસ્તાની સેનામાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાને કાજિમ પર 10 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. એવું કહેવાય છે કે, અગાઉ પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ કર્નલ અને એક મેઝરની હત્યા થઈ હતી, જેમાં કાઝિમ સામેલ હતો.
ટીટીપી કમાન્ડર કાજિમ પર અનેક આરોપ
પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે, કાજિમ કુર્રમ જિલ્લાનો રહેવાસી છે. પારાચિનારામાં સેનાના કાફલા પર અને શિયા સમુદાયના વાહનો પર હુમલો કરવા પાછળ તેનો જ હાથ હતો. તેના પર કુર્રમના નાયબ કમિશનરની હત્યા કરવાનો પ્રયાસ અને ષડયંત્ર રચવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષ 2023થી સંબંધો બગડ્યા છે. બંને વચ્ચે તાજેતરમાં જ સામસામે ભયાનક હુમલા થયા હતા. આમ તો બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો સમયગાળો વધારી દેવાયો છે, જોકે તેમ છતાં આંશિક હુમલાઓ ચાલુ છે.

