પાકિસ્તાનમાં કઈ ઘડીએ શું બનશે તે તેના નેતાઓ કે જનતા પણ જાણી શકે તેમ નથી. દુનિયાના તમામ અગ્રીમ દેશોમાં પણ ચિંતા વ્યાપ્ત રહી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનની સ્થિતિ અને તબીયત વિષે સમગ્ર પાકિસ્તાનમાં ભાત-ભાતની અફવાઓ ફેલાઈ રહી છે. તેના સમર્થકો અહીંની કુખ્યાત અદિયાલા જેલની બહાર રાતભર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓની મુક્તિ માટે નારા લગાવી રહ્યા છે.

ઇમરાન ખાનના પુત્ર કાસીમ ખાને તોવડાપ્રધાન શહબાઝ શરીફ અને તેઓના મિત્ર લશ્કરી વડા આસીમ મુનીરને અને જેલ અધિકારીને કોર્ટમાં ઢસડી જવાની ધમકી પણ ઉચ્ચારી છે. તે કહે છે, મારા પિતા જીવિત છે કે નહીં તેટલું તો કહો. આટલું પત્રકારો સમક્ષ કહેતાં કાસીમ ખાનની આંખો સજળ બની ગઈ હતી.
આમ છતાં શહબાઝ શરીફ સરકાર પાસે એક જ જવાબ છે, ઇમરાન સ્વસ્થ છે તેઓને કંઈ બીજે ફેરવવામાં આવ્યા નથી.
આ સાથે સીધો સવાલ તે ઉપસ્થિત થાય છે કે જો બધું જ બરાબર હોય તો તેઓનાં કુટુંબીજનો અને તેમના પક્ષ પાકિસ્તાન- તહેરિક- ઇન્સાફના કોઈ અગ્રીમ નેતાને અને તેમના સમર્થકો પૈકી કોઇને પણ તેઓને શા માટે મળવા દેવામા આવતા નથી ? જો મળવા દેવામાં આવેતો સત્ય બહાર આવે.
ઉલ્લેખનીય છે કે ૨૭ નવેમ્બરે (ગઈકાલે) તો તેમના વકીલને પણ તેમને મળવા દેવામાં આવ્યા નહીં.
ઇમરાન ઓગસ્ટ ૨૦૨૩ થી જેલમાં છે. ભ્રષ્ટાચારના આરોપસર તેઓને ૧૪ વર્ષની સજા કરવામાં આવી છે. તેમના બહેનો એ તેમની પાર્ટીના સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ગઇકાલે (ગુરૂવારે) ઇમરાનને મળવા જેલ ગયા હતા. પરંતુ જેલના અધિકારીઓએ ફરીથી મળવા દેવાની ના કહી.

