અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સેનાએ પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપતા ડૂરન્ડ લાઇન પાસે આવેલી પાકિસ્તાની મિલિટ્રીની 8 સુરક્ષા ચોકીઓ પર કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના ડેપ્યુટી સ્પોક્સ પર્સન સેદિકુલ્લાહ નુસરતના જણાવ્યા અનુસાર, ‘કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક અને શોરાબક જિલ્લામાં પાકિસ્તાની પોસ્ટ પર કબજો કરવામાં આવ્યો છે, જેમાં કંધારમાં 5, ખોસ્તમાં 2 અને ઝાબુલમાં 1 પોસ્ટનો સમાવેશ થાય છે.

રાવલપિંડીમાં પાકિસ્તાની કંટ્રોલ સેન્ટર પર ડ્રોન હુમલો
આ બંને દેશો વચ્ચે સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે અફઘાન તાલિબાન સેનાએ રાવલપિંડીમાં આવેલા ‘નૂર ખાન એર બેઝ’ પર પાકિસ્તાનના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવીને હથિયારોથી સજ્જ ડ્રોન હુમલા કર્યા. નોંધનીય છે કે આ એર બેઝ પર મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લડાઈ બાદ હજુ રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું, જે હવે આ નવા હુમલાને કારણે વધુ જોખમમાં મૂકાયું છે.આ ઉપરાંત, અફઘાનિસ્તાનની એરફોર્સે ક્વેટામાં 12મી ડિવિઝન હેડક્વાર્ટર અને ખૈબર પખ્તુનખ્વાના મોહમંદ એજન્સીમાં ખ્વાજાઈ કેમ્પ સહિત અનેક મહત્ત્વના પાકિસ્તાની સૈન્ય મથકો પર હવાઈ ઓપરેશન હાથ ધર્યું હોવાનો દાવો કર્યો છે.
પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યું, પાયલટની ધરપકડ
સીમા પર ચાલી રહેલી આ દુશ્મની વચ્ચે તાલિબાન અધિકારીઓએ દાવો કર્યો છે કે પૂર્વ અફઘાન શહેર જલાલાબાદમાં એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યું છે. વિમાનમાંથી પેરાશૂટ દ્વારા ઉતરેલા પાયલટને સ્થાનિક લોકો અને સત્તાવાળાઓએ જીવતો પકડી લીધો છે અને તેને હાલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. અગાઉ પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને કંધારમાં એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં 133 તાલિબાન લડાયકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ભીષણ અથડામણ ચાલુ છે.

