ભારત અને પાકિસ્તાન સહિત અનેક દેશો વચ્ચે થઈ રહેલો સંઘર્ષ અટકાવ્યો હોવાનો દાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા રહે છે. તેમણે છેલ્લી કલાકોમાં બે-ત્રણ વખત ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો હતો. એમાંય એક દાવો તો તેમણે ઈઝરાયલની સંસદમાં ભાષણ આપતી વખતે કર્યો હતો. અમેરિકાના પ્રમુખે કહ્યું કે તેમણે આ યુદ્ધો નોબેલ પુરસ્કાર મેળવવા નથી અટકાવ્યા, પરંતુ વિશ્વમાં શાંતિ સ્થાપવા અટકાવ્યા છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વની મુલાકાતે નીકળતા પહેલાં દાવો કર્યો કે ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયો. એ સાથે તેમણે આઠમું યુદ્ધ અટકાવી દીધું છે. અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે, એને હું મિડલ ઈસ્ટમાંથી પાછો આવીશ પછી અટકાવીશ. હું યુદ્ધ અટકાવવામાં માહેર છું. ટ્રમ્પે એ વખતે બે પરમાણુ હથિયારોથી સજ્જ દેશો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હોવાનો દાવો કર્યો હતો.એ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ પહોંચ્યા હતા. ઈઝરાયલની સંસદમાં સંબોધન કરતી વખતે ટ્રમ્પે ફરીથી દુનિયામાં આઠ યુદ્ધો અટકાવ્યા હોવાનો દાવો કર્યો હતો અને સાથે સાથે ભારત-પાકિસ્તાનનું નામ લઈને યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો વધુ એક વખત કર્યો હતો. ટ્રમ્પે કહ્યું, વિચારો ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ, કેટલાય વર્ષોથી બંને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો પરમાણુ હથિયારોથી સજ્જ છે. મેં તેમને કહ્યું કે તમે બંને પરમાણુ હથિયારોથી સજ્જ છો. આ યુદ્ધ અટકાવો. જો યુદ્ધ નહીં અટકે તો હું ૧૦૦ કે ૨૦૦ ટકા ટેરિફ લગાડીશ. એનું પરિણામ મળ્યું. માત્ર ૨૪ કલાકમાં યુદ્ધવિરામ થઈ ગયો. કેટલાય યુદ્ધો મેં આર્થિક ઉપાયો જેવા કે વેપારી પ્રતિબંધ કે ટેરિફના માધ્યમથી ઉકેલ્યા છે. ભારત-પાકિસ્તાન એનું ઉદાહરણ છે. જો ટેરિફ ન હોત તો આવા યુદ્ધો અટક્યા ન હોત.
ઉલ્લેખનીય છે કે ભારતે ઓપરેશન સિંદૂર અટક્યું એ પાછળ ટ્રમ્પની કોઈ ભૂમિકા નથી એવી સ્પષ્ટતા કરી હતી, છતાં ટ્રમ્પ વારંવાર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ક્રેડિટ મેળવે છે અને વારંવાર ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોક્યું હોવાનો દાવો કરે છે.

