રશિયાએ શિયાળાની ઋતુ અગાઉ યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચરને ઠપ કરવાના અભિયાનના ભાગરૃપે યુક્રેનની પાવરગ્રીડ પર હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે મોસ્કોએ અમેરિકા દ્વારા યુક્રેનને ટોમહોક ક્રૂઝ મિસાઇલ આપવાની સંભાવના પર ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે.

કીવના ક્ષેત્રીય ગવર્નર માયકોલા કલાશિન્ક જણાવ્યું હતું કે એક સબ સ્ટેશન પર રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની ડીટીઇકેના બે કર્મચારીઓ ઘાયલ થયા હતાં.
યુક્રેનના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે ડોનેટસ્ક, ઓડેસા અને ચેર્નિહીવ ક્ષેત્રોમાં પણ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કરવામાં આવ્યા છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ એક્સ પર લખ્યું છે કે રશિયાએ અમારા શહેરો અને સમુદાયોની વિરુદ્ધ હવાઇ હુમલા ચાલુ રાખ્યા છે. રશિયાએ અમારા ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર હુમલા વધારી દીધા છે.રશિયાએ છેલ્લા સપ્તાહમાં યુક્રેનની વિરુદ્ધ ૩૧૦૦થી વધુ ડ્રોન, ૯૨ મિસાઇલ અને લગભગ ૧૩૬૦ ગ્લાઇડ બોંબથી હુમલા કર્યા છે.
ઝેલેન્સ્કીએ રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર કડક પ્રતિબંધો મૂકવાની માગં કરી છે. તેમણે રશિયા પાસેથી ઓઇલ ખરીદનારાઓ દેશો વિરુદ્ધ પ્રતિબંધ મૂકવા અને ટેરિફ નાખવાની માંગ કરી છે.
ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે તેંમની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર ખૂબ જ સકારાત્મક અને ઉપયોગી વાત થઇ છે. આ વાતચીત દરમિયાન ઝેલેન્સ્કીએ ટ્રમ્પને યુક્રેનની ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાના હુમલા અને યુક્રેનના એર ડિફેન્સને મજબૂત કરવાની તકો અંગે જણાવ્યું હતું.
એક દિવસ પહેલા ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તે અમેરિકન અધિકારીઓ સાથે ટોમહોક્સ અને વધુ એટીએસીએમએસ બેલેસ્ટિક મિસાઇલો સહિત વિભિન્ન લાંબા અંતરના હથિયારો પૂરા પાડવા અંગે ચર્ચા કરી રહ્યું છે.
