રશિયા હવે પૂરી ગણતરીપૂર્વક છતાં બરોબર કટ્ટરતાથી યુક્રેન ઉપર હુમલા કરી રહ્યું છે. આ યુદ્ધમાં હજારો સૈનિકો ગુમાવ્યા પછી રશિયા યુક્રેનની આંતરિક તાકાત તોડવાનાં એક માત્ર ધ્યેયથી હુમલા કરી રહ્યું છે.

પુતિને ભૂમિદળને બદલે વાયુદળ અને મિસાઇલ્સ હુમલાથી યુક્રેનની પાવરગ્રીડ, સેન્ટ્રલ હીટીંગ સીસ્ટીમ અને ગેસ લાઇનો તોડી નાખી શિયાળો બેસતાં જ યુક્રેનને ટાઢે મારવાની યોજના ઘડી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ વોલોદોમીર ઝેલેન્સ્કીને ઓક્ટોબર ૧૭મીથી વ્હાઈટ હાઉસમાં મળ્યા ત્યારે તેમને ડોનબાસ વિસ્તારમાંથી પાછા હઠી જવા અનુરોધ કર્યો હતો અને પુતિન જે માગે તે તેમને આપી દેવા પણ જણાવ્યું હતું સાથે પુતિને આપેલી ધમકી પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું કે માત્ર ગણતરીના જ દિવસોમાં તમારા પાટનગર કીવને ખતમ કરી નાંખશે.
ત્યાર પછી ટ્રમ્પે અચાનક યુ-ટર્ન લીધો છે. રશિયાની ઓઈલ-ફર્મ્સ ઉપર સખતના પ્રતિબંધો મુક્યા છે. સાથે અમેરિકાએ પૂર્વાનુમાન બાંધી જ લીધું હતું કે, પુતિન હવે વાયુદળ અને મિસાઇલ્સ હુમલા દ્વારા યુક્રેનને ખેદાન-મેદાન કરી નાખશે. પુતિન જાણે છે કે યુક્રેન ઉપર કબ્જો જમાવવો મુશ્કેલ છે, તેને જીતી શકવું પણ મુશ્કેલ છે. આ વર્ષે જ તેણે હજી સુધીમાં હજ્જારો સૈનિકો ગુમાવ્યા છે. જેના બદલામાં મૂળ મેળવેલી ભૂમિમાં માત્ર ૧ ટકાનો જ વધારો કરી શક્યું છે, છતાં યુક્રેનને એટલી હદે ખેદાન-મેદાન કરી નાખવું કે તે વસવા લાયક જ ન રહે. આ હવાઈ હુમલાથી તેના ઉદ્યોગો લગભગ નાશ પામ્યા છે, ભયના માર્યા લાખ્ખો લોકો યુક્રેન છોડી જતા રહ્યાં છે. સૌથી દુ:ખદ વાત તે છે કે આ યુદ્ધનો તત્કાળ તો કોઈ અંત દેખાતો નથી. રશિયાએ ૨૦ ટકા જેટલો તેનો પ્રદેશ કબ્જે કર્યો છે. તેના હાથમાંથી છોડાવવો યુક્રેન માટે સંભવિત જ નથી. તેને હવે શસ્ત્રાસ્ત્રોની પણ ખેંચ છે. અમેરિકા કે યુરોપીય દેશો હવે વધુ શસ્ત્રો આપી શકશે કે કેમ તે પણ પ્રશ્ન છે. વિશ્લેષકો પણ વિશ્લેષણ આપી શકે તેમ નથી.

