મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને દરિયાઈ નાકાબંધી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માંથી ભારતના બે મોટા ઓઈલ ટેન્કર સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે. આ જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌસેનાના યુદ્ધજહાજોને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ભારતીય નૌસેનાનું સુરક્ષા કવચ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ભારત માટે પેટ્રોલિયમ ઉત્પાદનો લઈને વધુ જહાજો આ માર્ગ પરથી પસાર થવાના છે. ભારતીય નૌસેના આ જહાજોને સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે જેથી દેશમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજી (LPG) ના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે. હોર્મુઝની ખાડી વૈશ્વિક ઉર્જા વ્યાપાર માટે અત્યંત મહત્ત્વની છે, કારણ કે વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ અહીંથી પસાર થાય છે.
ઈરાને ભારતને ગણાવ્યો ‘મિત્ર દેશ’
તાજેતરમાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાને ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન જેવા ‘મિત્ર રાષ્ટ્રો’ના જહાજોને આ દરિયાઈ માર્ગ પરથી સુરક્ષિત અવરજવરની મંજૂરી આપી છે. ઈરાન દ્વારા કરવામાં આવેલી નાકેબંધીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, પરંતુ ભારતીય જહાજો માટે આ માર્ગ ખુલ્લો રહેવો એ મોટી જીત સમાન છે.
ભારત માટે આ માર્ગનું મહત્ત્વ
આયાત પર નિર્ભરતા: ભારત તેની તેલની જરૂરિયાતના 85% અને ગેસની જરૂરિયાતના 50% આયાત કરે છે.
મહત્ત્વનો રૂટ: ભારતની તેલની કુલ ખેપનો અડધો ભાગ અને એલએનજી (LNG) ના અડધાથી વધુ જહાજો હોર્મુઝ થઈને જ આવે છે.
ઉર્જા સુરક્ષા: જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો ભારતમાં ઉર્જા કટોકટી સર્જાઈ શકે છે, તેથી નૌસેનાની સક્રિયતા અત્યંત જરૂરી છે.

