WORLD : યુરોપે પોતાના માટે લડતા શીખવું જોઈએ, હવે અમેરિકા કોઈના માટે નહીં લડે : ટ્રમ્પ

0
16
meetarticle

મધ્ય-પૂર્વમાં ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ઈંગ્લેન્ડ, ફ્રાન્સ સહિત યુરોપના દેશોએ સાથ નહીં આપવાથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ધૂંઆપૂઆં થઈ ગયા છે. તેમણે હોર્મુઝ ખાડીમાં ઈરાનની નાકાબંધીથી ક્રૂડ ઓઈલની કટોકટીનો સામનો કરનારા દેશોને જાતે જ ત્યાં જઈને ઓઈલ લઈ આવવાની સલાહ આપી છે. સાથે પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા હવે તેમના માટે યુદ્ધ નહીં કરે. બ્રિટન, ફ્રાન્સ, સ્પેન સહિતના દેશોએ ઈરાન સામેના યુદ્ધમાં તેમના સૈન્ય બેઝ પરથી અમેરિકન ફાઈટર વિમાનોને ઈંધણ ભરવાની સુવિધા આપવાનો ઈનકાર કર્યો હતો.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલના યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી કરી હોવાથી યુરોપ અને એશિયાના દેશોમાં ક્રૂડ ઓઈલની ભારે કટોકટી સર્જાઈ છે. આવા સમયે ટ્રમ્પે મંગળવારે એક પોસ્ટમાં બ્રિટન, ફ્રાન્સ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણીભર્યા સૂરમાં યુરોપના દેશોને જણાવ્યું કે, તમારે પોતાના માટે લડવાનું શીખવું જોઈએ. અમેરિકા હવે તમારી મદદ માટે ઈરાન સામે નહીં લડે. આ એકદમ એવું છે જ્યારે તમે અમને આ યુદ્ધમાં સાથ નથી આપી રહ્યા.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું, ક્રૂડ ઓઈલની કટોકટીનો સામનો કરતા યુરોપ સહિતના દેશો માટે તેમના બે જ સૂચન છે. એક અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદો. અમારી પાસે તેની કોઈ અછત નથી. બીજું, થોડી હિંમત બતાવો, હોર્મુઝની ખાડી સુધી જાઓ અને બસ તેને ‘લઈ લો.’ ટ્રમ્પે એમ પણ લખ્યું કે ઈરાનને નબળું કરવામાં યુનાઈટેડ કિંગ્ડમની કોઈ ભૂમિકા નહોતી.

ફ્રાન્સે ઈરાન સામે લડવા માટે તેના બેઝ પરથી અમેરિકન ફાઈટર પ્લેનોમાં ઈંધણ ભરવાની સુવિધા આપવાનો ઈનકાર કરી દીધો હતો ત્યારે ફ્રાન્સ અંગે અમેરિકન પ્રમુખે લખ્યું કે, ઈરાન સામેના યુદ્ધમાં ફ્રાન્સનું વલણ એકદમ અસહયોગવાળું રહ્યું છે. અમેરિકા તેને યાદ રાખશે. ફ્રાન્સે ઈઝરાયેલ જઈ રહેલા અણેરિકાના વિમાનોને પોતાના હવાઈ ક્ષેત્ર પરથી પણ ઉડવાની મંજૂરી આપી નહીં. આ સૈન્ય વિમાનોમાં શસ્ત્રસરંજામ લદાયેલો હતો.

તેમણે ઉમેર્યું કે, હકીકતમાં ઈરાનનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. મુશ્કેલ કામ થઈ ગયું છે. હવે ત્યાં જાઓ અને પોતાનું ઓઈલ જાતે જ મેળવી લો. હકીકતમાં બ્રિટન અને ફ્રાન્સ જ નહીં ઈટાલી અને સ્પેન સહિત યુરોપનો કોઈ દેશ અમેરિકાને સાથ આપવા તૈયાર નહીં હોવાથી ઈરાન સામેના યુદ્ધમાં ટ્રમ્પ એકલા પડી ગયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here