યુએસના પ્રમુખ ટ્રમ્પે ચેતવણી આપી છે કે રશિયા સાથે બિઝનેસ કરતાં કોઇપણ દેશ પર આકરાં નિયંત્રણો લાદવામાં આવશે. બીજી તરફ રિપબ્લિકન્સ દ્વારા રશિયાને લક્ષ્ય બનાવી ખરડો રજૂ કરવામાં આવ્યો છે જેમાં રશિયન ઓઇલના સેકન્ડરી પરચેઝ અને રિસેલિંગ પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાની જોગવાઇ કરવામાં આવેલી છે. આ ખરડો કાયદો બનશે તો રશિયા પાસેથી ઓઇલ અને ગેસ ખરીદતાં ચીન, ભારત અને બ્રાઝિલ પર ફરી આકરાં નિયંત્રણો લાગુ પડી શકે છે.

ટ્રમ્પે સેનેટર લિન્ડસે ગ્રેહામ અને સેનેટર રિચાર્ડ બ્લુમેન્થાલ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવેલાં સેન્કશનિંગ રશિયા એક્ટ ૨૦૨૫માં યુક્રેન સાથે રશિયાની જંગાલિયતભરી લડાઇને નાણાં પુરાં પાડતાં દેશો પર સેકન્ડરી ટેરિફ અને નિયંત્રણો લાદવાની જોગવાઇ કરાઇ છે. આ સૂચિત કાયદાના સેનેટમાં ૮૫ કોસ્પોન્સર્સ છે.પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે રિપબ્લિકન્સ દ્વારા રશિયા સાથે વેપાર કરતાં કોઇપણ દેશ પર આકરાં નિયંત્રણો મુકતો કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેઓ તેમાં ઇરાનને પણ જોડી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારતપર ૫૦ ટકા ટેરિફ લાદ્યા છે જેમાં રશિયન ઉર્જાની ખરીદી પર ૨૫ ટકા લેવીનો પણ સમાવેશ થાય છે. દુનિયામાં વિવિધ દેશો પર લાદવામાં આવેલાં ટેરિફમાં આ સૌથી ઉંચો દર છે.
ગ્રેહામ અને બ્લુમેન્થાલે જુલાઇમાં જ જારી કરેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેની લોહિયાળ લડાઇ અટકાવવા પ્રમુખ ટ્રમ્પ અને તેમની ટીમે ટેરિફ લાદવાનો નવો અભિગમ અપનાવ્યો છે. જો કે, આ યુદ્ધનો અંત તો સસ્તા રશિયન ઓઇલ અને ગેસ ખરીદી રશિયાને યુદ્ધ લડવામાં સહાય કરતાં ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર આકરાં ટેરિફ લાદવાથી જ લાવી શકાશે.

