રશિયાએ પોતાની આધુનિક પરમાણુ સબમરિન લોન્ચ કરી છે જે પોસિડોન પરમાણુ ડ્રોનથી સજ્જ હશે. આ ડ્રોન ‘પ્રલય દિવસ મિસાઇલ’ તરીકે પણ એોળખવામાં આવે છે અને તટીય દેશોને નાશ કરવામાં સક્ષમ છે.

રશિયા દ્વારા આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ રશિયાની બુરેવેસ્ટનિક મિસાઇલ પરીક્ષણની ટીકા કરી હતી. રશિયાએ પ્રલય દિવસ ડ્રોનનું નવુ પરમાણુ સબમરિન વાહક જહાજ પણ લોન્ચ કર્યુ છે.
તેની શરૃઆત રશિયન સંરક્ષણ પ્રધાન આંદ્રેઇ બેલોસોવે સેવેરોજવિંસ્કનાં સેવમાશ શિપયાર્ડમાં એક ભવ્ય સમારંભમાં કરી હતી. બેલોસોવે શનિવાર મોડી રાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આજે અમારા માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. પ્રસિદ્ધ સેવમાશ શિપયાર્ડનાં પાછળના ભાગમાં ભારે પરમાણુ ઉર્જા સંચાલિત મિસાઇલ ક્રૂઝર ખાબરોવસ્કનું પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે સેવમાશ શિપયાર્ડે આ અગાઉ ભારત માટે આઇએનએસ વિક્રમાદિત્ય વિમાનવાહક જહાજનું આધુનિકીકરણ કર્યુ હતું.
રશિયન સમાચાર એજન્સી ટીએએસએસ અનુસાર રશિયન સંરક્ષણ પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાણીની અંદર કામ કરનારા શસ્ત્રો અને રોબોટિક સિસ્ટમથી સજજ આ સબમરિન રશિયાને પોતાની સમુદ્ર સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વિશ્વના સમુદ્રોના વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવામાં સક્ષમ બનાવશે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે ખાબરોવસ્ક પરમાણુ સબમરિનને રુબિન, સેન્ટ્રલ બ્યુરો ઓફ મરીન એન્જિનિયરિંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ વિભિન્ન ઉદ્દેશો માટે રોબોટિક સિસ્ટમ સહિત આધુનિક પાણીની અંદર કામ કરતા શસ્ત્રોનો ઉપયોગ કરી નેવીના મિશનોને પૂર્ણ કરવાનો છે.
