રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હાલ રોકાય તેવા કોઈ સંકેતો મળતા નથી. ઉલટાનું આ યુદ્ધ વધુ વકરે તેવી આશંકા છે. યુક્રેનના રસ્તે આ યુદ્ધ હવે યુરોપમાં શરૂ થવાની આશંકા છે. પોલેન્ડે શનિવારે દાવો કર્યો હતો કે રશિયાના ત્રણ ફાઈટર જેટ બાલ્ટિક સમુદ્રમાં ઈસ્ટોનિયાના હવાઈ ક્ષેત્રમાં પેટ્રોબાલ્ટિક ક્રૂડ અને ગેસ પ્લેટફોર્મ નજીક ઊડતા નાટોએ તેમને પાછા હટાવવા માટે એફ-૩૫ ફાઈટર જેટ મોકલ્યા હતા. પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં રશિયાના ડ્રોનને તોડી પડાયાના એક સપ્તાહ પછી રશિયન જેટ એસ્ટોનિયાની સરહદમાં ઘૂસ્યા હતા.રશિયાન ફાઈટર જેટ બાલ્ટિક સમુદ્રમાં પેટ્રોબાલ્ટિક ક્રૂડ ઓઈલ અને ગેસ પ્લેટપોર્મ સુધી પહોંચતા નાટો અને રશિયા વચ્ચે સતત તણાવ વધી રહ્યો હોવાનું દર્શાવે છે અને આગામી સમયમાં યુરોપ અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી આશંકા છે. રશિયાના ફાઈટર જેટે એસ્ટોનિયાના હવાઈ ક્ષેત્રનો ભંગ કરી ઘૂસણખોરી કરતા તેમને રોકવા નાટોના મિશન હેઠળ ઈટાલી, ફિનલેન્ડ અને સ્વીડને તેમના ફાઈટર જેટ મોકલ્યા હતા. એસ્ટોનિયાના વડાપ્રધાને કહ્યું કે, આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય ભંગ બાદ એસ્ટોનિયાએ નાટોની કલમ-૪ના પરામર્શની વિનંતી કરી છે. નાટો પ્રવક્તા એલિસન હાર્ટે કહ્યું કે, આ ઘટના પર વિસ્તારથી ચર્ચા કરવા માટે ઉત્તરીય એટલાન્ટિક પરિષદ આગામી સપ્તાહની શરૂઆતમાં બેઠક કરશે.

આ ઘટના વચ્ચે રશિયાએ તેમના ફાઈટર જેટ એસ્ટોનિયાના હવાઈ ક્ષેત્રમાં ઘૂસ્યા હોવાનો ઈનકાર કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું કે તેમના ફાઈટર જેટે અન્ય દેશોની સરહદોનો ભંગ કર્યા વિના અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતાં ઉડ્ડયન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ જેટ વિમાન ઉત્તર-પશ્ચિમી રશિયાના એક ગણરાજ્ય કરેલિયાથી પોલેન્ડ અને લિથુઆનિયા વચ્ચે રશિયન ક્ષેત્ર કેલિનિનગ્રાદના એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. આ સમયે તે બાલ્ટિક સમુદ્રની તટસ્થળ જળસીમા ઉપરથી ઉડયા હતા અને એસ્ટોનિયાના ક્ષેત્રના સૌથી ઉત્તરીય પોઈન્ટથી ત્રણ કિ.મી. કરતાં વધુ દૂર હતા.
જોકે, નાટોના પ્રવક્તા એલિસન હાર્ટે બાલ્ટિક સમુદ્રમાં રશિયન ફાઈટર જેટ મિગ-૨૧ના ઉડ્ડયનને રશિયાનું બેદરકારીપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પુતિનનું આ પગલું નાટો દેશો માટે સ્પષ્ટ પડકાર છે. આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે યુરોપ પહેલાથી જ યુક્રેન યુદ્ધ અને રશિયાની વધતી આક્રમક્તાનો સામનો કરી રહ્યું છે.
પોલેન્ડના સૈન્યે એક નિવેદનમાં કહ્યું કે રશિયાના વિમાન કોઈપણ મંજૂરી વિના એસ્ટોનિયાના હવાઈ ક્ષેત્ર પરથી ઉડયા હતા. રશિયન ફાઈટર જેટ નીચી ઊંચાઈ પર ઉડી રહ્યા હતા. એસ્ટોનિયન અને ઈટાલિયન અધિકારીઓએ કહ્યું કે, બાલ્ટિક રાજ્યોમાં નાટોની એરફોર્સ સપોર્ટ મિશન સાથે સંકળાયેલા ઇટાલિયન એરફોર્સના એફ-૩૫ ફાઈટર વિમાનોને રશિયાના જેટ ફાઈટરને રોકવા અને તેમને ચેતવણી આપવા માટે મોકલાયા હતા. આ સિવાય એસ્ટોનિયન સંરક્ષણ દળોએ કહ્યું કે, ત્રણ રશિયન ફાઈટર જેટ મિગ-૩૧ વિમાન મંજૂરી વિના વેંડલૂ ટાપુ ક્ષેત્રમાં એસ્ટોનિયન હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હતા અને લગભગ ૧૨ મિનિટ સુધી ત્યાં જ રહ્યા હતા.
સંરક્ષણ દળોએ કહ્યું કે, ફાઈટર વિમાનોની આ ક્ષેત્રમાં ઉડ્ડયન અંગ ેકોઈ યોજના નહોતી અને તેના ટ્રાન્સપોન્ડર બંધ હતા. હવાઈ ક્ષેત્રનો ભંગ કરતી વખતે ફાઈટર વિમાનોનું એસ્ટોનિયન એર ટ્રાફિક નિયંત્રણ સાથે બે તરફી રેડિયો કોમ્યુનિકેશન નહોતું. યુરોપીયન સંઘના ટોચના રાજદૂત અને એસ્ટોનિયાના પૂર્વ વડાપ્રધાન કાજા કલ્લાસે મોસ્કો પર અત્યંત ખતરનાક ઉશ્કેરણીનો આરોપ મૂક્યો હતો અને ચેતવણી આપી કે આ હુમલો ક્ષેત્રમાં તણાવ વધારશે. બીજીબાજુ યુરોપિયન યુનિયનનાં પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેને કહ્યું, જેમ જેમ જોખમ વધશે, અમારું દબાણ પણ વધશે. તેમણે આ પહેલા યુરોપીયન સંઘના સભ્ય દેશોની મંજૂરી વિના યુક્રેન યુદ્ધ અંગે મોસ્કો પર પ્રતિબંધોનું ૧૯મું પેકેજ રજૂ કર્યું હતું, જેનાથી રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ વધુ આકરા થઈ જશે.

