અમેરિકાના ન્યૂયોર્ક બાદ હવે વિશ્વના સૌથી મોટા અને આર્થિક રીતે સંપન્ન શહેરોમાં સ્થાન ધરાવતા બ્રિટનના લંડન શહેરના મેયર પદની ચૂંટણી પણ ચર્ચાનો વિષય બની રહેશે. લંડનના મેયર પદના ઉમેદવાર લૈલી કનિંઘમે બુરખા પર એક સલાહ આપીને વિવાદ છેડયો છે. રિફોર્મ યુકે તરફથી ઉમેદવાર લૈલાએ કહ્યું છે કે લંડનમાં બુરખો પહેરતી મહિલાઓને પોલીસ દ્વારા રોકીને તેની તપાસ કરવી જોઇએ. લંડનના મેયરની ચૂંટણીમાં ઉમેદવાર બનાવાયેલ લૈલાએ બુરખો બિનજરૂરી હોવાનો દાવો કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે મોકળાશ ધરાવતા સમાજમાં ચેહરો ઢાકવાની કોઇ જ જરૂર નથી. લંડનના કેટલાક વિસ્તાર મુસ્લિમ શહેરો જેવા લાગે છે. પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન લૈલાએ કહ્યું હતું કે મને નથી લાગી રહ્યું કે એક ખુલ્લા અને સ્વતંત્ર સમાજમાં ચેહરો ઢાકવાની કોઇ જરૂર હોય, જો કોઇ પોતાનો ચેહરો છૂપાવી રહ્યું છે તો એવુ માની લેવાનું કે તે કોઇ ગુનાહિત કારણને લીધે આવુ કરી રહ્યું છે. હું ચેહરાને ઢારવા પર પ્રતિબંધ મુકવા માગુ છું.

લંડનમાં વર્ષ ૨૦૨૮માં મેયરની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેની લૈલા અને તેના પક્ષે અત્યારથી જ તૈયારી કરી લીધી છે. હાલમાં એક મુસ્લિમ સાદિક ખાન લંડનના મેયર છે, તેઓ ૨૦૧૬થી આ પદ સંભાળી રહ્યા છે. એવામાં લંડનના મેયરની ચૂંટણીમાં ધાર્મિક મુદ્દો પણ ચર્ચામાં રહેશે. આ પહેલા પણ લૈલાએ કહ્યું હતું કે લંડને એક બ્રિટિશ શહેર તરીકે જ રહેવું જોઇએ તેને મુસ્લિમ શહેર ના બનાવવું જોઇએ. અનેક મુસ્લિમ દેશોમાં જ બુરખા પર પ્રતિબંધ છે, બુરખો ધાર્મિક નથી, બુરખો પહેરવાની પ્રથા થોપવામાં આવેલી પરંપરાનો હિસ્સો છે, તેને ધર્મ સાથે કઇ જ લેવાદેવા નથી. લંડનમાં વિદેશી ભાષાના સાઇન બોર્ડ અને બુરખા માટે માર્કેટ ખુલી ગયા છે. બ્રિટનમાં માત્ર એક જ સિવિક સંસ્કૃતિ રહેવી જોઇએ અને તે છે બ્રિટિશ સંસ્કૃતિ. બીજી તરફ લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા અને વિવિધતાથી લંડનની તાકાત વધે છે, આ તાકાતને ભાગલાવાદી નેતાઓ નુકસાન પહોંચાડી રહ્યા છે.

