દિલ્હીનું ખાન માર્કેટ ભારતનું સૌથી મોંઘુ રિટેલ લોકેશન છે. આ ખુલાસો જાણીતી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીના રિપોર્ટમાં થયો છે. ખાન માર્કેટ વૈશ્વિક સ્તરે ૨૪મા નંબર પર આવ્યું છે. તેનું પ્રતિ સ્કેવર ફૂટ ભાડુ લગભગ રૂ. 20000 છે. રિટેલ રિપોર્ટ મેઈન સ્ટ્રીટ્સ અક્રોસ ધ વર્લ્ડમાં પહેલા નંબર પર લંડનનું ન્યૂ બોન્ડ સ્ટ્રીટ આવ્યું છે. તેનું પ્રતિ સ્કેવર ફૂટ ભાડું રૂ.200000 છે.

ગત વર્ષે મિલાનનું વાયા મોન્ટેનાપોલિઓન નંબર-1 પર હતું. આ સાથે જ તે વૈશ્વિક રેન્કિંગમાં ટોપ પર રહેનાર પહેલું યુરોપિયન સ્ટ્રીટ બન્યું હતું. આ વર્ષે તેને લંડનના ન્યૂ બોન્ડ સ્ટ્રીટે પછાડયું છે. ત્રીજા નંબર પર ન્યૂ યોર્કનું પ્રતિષ્ઠિત અપર ફિફ્થ એવન્યુ પહોંચ્યું છે. તેનું પ્રતિ સ્ક્વેર ફૂટ ભાડું 177000 રૂપિયા છે.હોંગકોંગનું સિમ શા ત્સુઈ (મેઈન સ્ટ્રીટ શોપ્સ) આ લિસ્ટમાં ચોથા નંબર પર આવ્યું છે. તેના પછી પેરિસના એવન્યુ ડેસ ચેમ્પ્સ-એલિસીસનો નંબર આવ્યો છે. આ લિસ્ટમાં ટોક્યોના ગિન્ઝા, ઝુરિચના બાહૃહોફસ્ટ્રાસ, સિડનીના પિટ સ્ટ્રીટ મોલ, સિઓલના મ્યોંગડોંગ અને વિયેનાના કોહલમાર્કેટને ટોપ ટેનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતમાં હાઈ સ્ટ્રીટ્સમાં ખાન માર્કેટ, કનોટ પ્લેસ અને ગેલેરિયા માર્કેટ જેવા પ્રીમિયમ લોકેશન ઈન્ટરનેશનલ અને લોકલ બ્રાન્ડ્સને આકર્ષવામાં સફળ રહ્યાં છે. ભારતમાં ગુડગાંવના ગેલેરિયા માર્કેટમાં વાર્ષિક ભાડામાં ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ, દિલ્હીના કનોટ પ્લેસમાં ૧૪ ટકા જ્યારે, મુંબઈના કેમ્પ્સ કોર્નરમાં 10 ટકા ભાડું વધ્યું છે. ભારતમાં રિટેલ ભાડું એવરેજ 6 ટકા વધ્યું છે.

