લંડનના રસ્તાઓ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. જમણેરી વિરોધીઓના હાથમાં પ્લેકાર્ડ અને હોઠ પર સરકાર વિરોધી સૂત્રો છે. કેટલાક યુનિયન ફ્લેગ લઈને આવ્યા છે, જ્યારે કેટલાક પાસે લાલ-સફેદ સેન્ટ જ્યોર્જ ક્રોસના ઝંડા છે. આ લોકો સેન્ટ્રલ લંડનમાં ઇમિગ્રેશન વિરોધી માર્ચ હેઠળ એક થયા છે. જેને ‘યુનાઇટ ધ કિંગડમ’ માર્ચ નામ આપવામાં આવ્યું છે. તેનું નેતૃત્વ ઇમિગ્રેશન વિરોધી એક્ટિવિસ્ટ ટૉમી રોબિન્સન કરે છે. ચાલો જાણીએ કોણ છે ટૉમી રોબિન્સન કોણ છે, જેની હાંકલ પર લગભગ 1 લાખ 10 હજાર લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

કોણ છે ટૉમી રોબિન્સન?
41 વર્ષીય ટૉમી રોબિન્સન, જેનું સાચું નામ સ્ટીફન યેક્સલી-લેનન છે. તે અનેક વર્ષોથી કોર્ટ અને જેલના ચક્કર લગાવે છે. તેણે લાંબા સમયથી ઇસ્લામ, બ્રિટનની વધતી જતી ઇમિગ્રેશન સમસ્યા અને મીડિયા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે એ પણ સ્વીકાર્યું કે, પોતે નાણાંકીય મદદ માંગવા છતાં દારૂ અને પાર્ટીઓ પર પૈસા ખર્ચ્યા હતા.
2009માં તેણે ઇંગ્લિશ ડિફેન્સ લીગની સ્થાપના કરી, જે એક રસ્તા પરનું આંદોલન છે અને અનેકવાર હિંસક અથડામણો અને ફૂટબૉલ હોલીગનિઝ્મ (ગુંડાગીરી) સાથે જોડાયેલી હોય છે. રૉબિન્સે વધતી કટ્ટરપંથીની ચિંતાઓને ટાંકતા 2013માં નેતા પદ છોડી દીધું હતું. પરંતુ, તે એક એક્ટિવિસ્ટ અને ઓનલાઈન પ્રચારકના રૂપે કામ કરે છે.
લાંબો ક્રિમિનલ રેકોર્ડ
રૉબિન્સનનો લાંબો ગુનાઈત રેકોર્ડ છે. તેના પર હુમલો, બંધક બનાવવા, છેતરપિંડી અને કોર્ટના તિરસ્કારના અનેક કેસ નોંધાયેલા છે. 2018માં, તે ટ્રાયલની બહાર લાઇવ સ્ટ્રીમિંગ કરવા બદલ જેલમાં ગયો હતો. 2024માં, તેને હાઇકોર્ટના આદેશનો અનાદર કરવા બદલ 18 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.
લાખો પાઉન્ડ જુગારમાં ઉડાડી દીધા
નાણાંકીય સમસ્યાઓએ પણ તેનો પીછો છોડ્યો નથી. 2021માં, તેણે નાદારી જાહેર કરી અને જાહેર કર્યું કે, તેણે જુગારમાં લાખો પાઉન્ડના ડોનેશનની મોટી રકમ ગુમાવી દીધી છે. તેમ છતાં, તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે. 2018માં ટ્વિટર પરથી પ્રતિબંધિત થયા પછી, ઈલોન મસ્કે X (ટ્વિટરનું નામ બદલીને) સંભાળ્યા પછી તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરી સક્રિય થયો હતો. X પર તેના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ટીકાકારો માટે, તે એક એવો માણસ છે જે વિભાજનને પ્રોત્સાહન આપે છે, જ્યારે સમર્થકો માટે તે વાણી સ્વતંત્રતા અને દેશભક્તિનો પ્રણેતા છે.

