વેનેઝુએલાની વિપક્ષની નેતા મારિયા કોરિના મચાડોએ તેને મળેલું નોબેલ પીસ પ્રાઇઝ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યું હતું. ટ્રમ્પે તેને પારસ્પરિક સન્માનની સુંદર અભિવ્યક્તિ ગણાવી હતી. જો કે નોબેલ પીસ પ્રાઇઝ કમિટીએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ રીતે કોઈ તેમનું ઇનામ બીજાને ન આપી શકે. મચાડો પહેલા ઘણી વખત કહી ચૂકી છે કે તે ટ્રમ્પને તેનું નોબેલ પીસ પ્રાઇઝ આપશે.

નોબેલ પ્રાઇઝ આપતી સંસ્થાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ઇનામ હસ્તાંતરિત કરી શકાતું નથી, વહેંચી શકાતું નથી કે રદ કરી શકાતું નથી, તેથી આ સમ્માન મચાડોની પાસે જ રહેશે. મચાડોએ વ્હાઇટ હાઉસમાં મુલાકાત પછી પત્રકારોને ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ ાપવાને લઈને વિસ્તારપૂર્વક વાત કરી, પરંતુ તે સ્પષ્ટ ન કર્યુ કે ટ્રમ્પે ઇનામનો સ્વીકાર કર્યો કે નહીં. વ્હાઇટ હાઉસે પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
આ પ્રતીકાત્મક પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે વેનેઝુએલાની પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્સ સાથે વાત કરવાની ઇચ્છા જાહેર કરી મચાડોને અવગણ્યા હતા. મચાડોને ૨૦૨૫માં નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો હતો, જે તેમણે ટ્રમ્પને સમર્પિત કર્યો હતો. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે મચાડોની પ્રશંસા કરતાં તેને વેનેઝુએલાના લોકો માટે એક સાહસિક અને ઉલ્લેખનીય અવાજ ગણાવી હતી.
વ્હાઇટ હાઉસે ભલે મચાડોની પ્રશંસા કરી હોય, પરંતુ મચાડોને લઈને ટ્રમ્પના વલણમાં કોઈ ફેર પડયો નથી. ટ્રમ્પ હજી પણ માને છે કે મચાડો પાસે જોઈએ તેટલા પ્રમાણમાં સમર્થન નથી. લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની સમીક્ષા તેમના સલાહકારો અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ પાસેથી મળેલી સૂચનાઓ અને વાસ્તવિકતા પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અત્યાર સુધીમાં આઠ યુદ્ધ રોકવાના દાવા કરી ચૂક્યા છે. તેમા ભારત-પાકિસ્તાન સંઘર્ષ પણ સામેલ છે. તેના બદલામાં ટ્રમ્પે સતત નોબેલ શાંતિ ઇનામની માંગ કરી હતી. તેમની માંગને પાકિસ્તાન જેવા દેશોનું સમર્થન મળ્યું છે. છતાં તેમને ઇનામ આપવામાં આવ્યું નથી. મચાડો અને વેનેઝુએલા વચ્ચે મુલાકાત એવા સમયમાં થઈ છે જ્યારે વેનેઝુએલા ઊંડા રાજકીય અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ટ્રમ્પ તંત્રનું વલણ બતાવે છે કે તે વિપક્ષનું સન્માન કરે છે, પરંતુ કોઈના પર રાજકીય દાવ લગાવવાથી તે બચી રહ્યું છે.
બીજી બાજુએ નોબેલ ઇન્સ્ટિટયુટે પણ જણાવ્યું હતું કે મારિયા કોરિના મચાડો તાજેતરમાં મળેલું નોબેલ ઇનામ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને આપી શકતી નથી. ઇન્સ્ટિટયુટે જણાવ્યું હતું કે નોબેલ પીસ પ્રાઇઝની જાહેરાત થયા પછી તેને ન તો રોકી શકાય છે, ના કોઈ બીજાને સોંપી શકાય છે, અથવા તો ના કોઈની સાથે તેને શેર કરી શકાય છે. આ નિર્ણય અંતિમ હોય છે અને તેમાં કોઈ ફેરફાર થતો નથી.

